દર વર્ષે તા. ૧૯ નવેમ્બરે ‘વિશ્વ શૌચાલય દિવસ’ ઉજવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ “સુરક્ષિત શૌચાલયો, સમાન ભવિષ્ય” રાખવામાં આવી છે. આ અવસરે ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા “સ્વચ્છ શૌચાલય–ગરિમામય ભવિષ્ય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન તા. ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી સમગ્ર ગુજરાતમાં પણ યોજાશે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ રાજ્યમાં શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિગત, સામુદાયિક અને સંસ્થાકીય શૌચાલયોનું મૂલ્યાંકન, સમારકામ, પુનઃસ્થાપન અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવાનો છે. તેમાં ખાસ કરીને મહિલાઓ, કિશોરીઓ અને દિવ્યાંગજનો માટે સુરક્ષિત તેમજ સરળતાથી ઉપલબ્ધ થાય તેવી શૌચાલય સુવિધાઓ ઊભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અભિયાનના અંતિમ તબક્કામાં તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લા અને ગ્રામ પંચાયત કક્ષાએ સમાપન કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત શૌચાલયો ધરાવતા શ્રેષ્ઠ લાભાર્થીઓ તથા સંસ્થાઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરવામાં આવશે.
અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ સામુદાયિક સ્વચ્છતા સંકુલો-CSCs, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને પંચાયત ઘરો સહિતના સંસ્થાકીય શૌચાલયોનું કાર્યક્ષમતા અને સુલભતાના આધારે સઘન મૂલ્યાંકન કરવામાં આવશે. જે સ્થળોએ શૌચાલયો બિનકાર્યક્ષમ અથવા ક્ષતિગ્રસ્ત જણાશે, ત્યાં તાત્કાલિક ધોરણે જરૂરી સમારકામ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, અભિયાન દરમિયાન ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે વિવિધ માહિતી, શિક્ષણ અને સંચાર-IEC પ્રવૃત્તિઓ, સામુદાયિક સંવાદ, શાળા કક્ષાના કાર્યક્રમો અને સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં સાબુથી હાથ ધોવાનું મહત્વ, સ્વચ્છતા, મળના સુરક્ષિત વ્યવસ્થાપન તથા ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, ૨૦૨૬’ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.