અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
રાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં
આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટરશ્રી
વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં તા. ૦૫ જૂલાઈના રોજ નોંધાયેલા વરસાદ મુજબ રાજુલામાં સૌથી વધુ ૨૭૪ મી.મી.,
ધારીમાં ૨૩૪ મી.મી., સાવરકુંડલામાં ૧૮૨ મી.મી., જાફરાબાદમાં ૧૨૫ મી.મી., ખાંભામાં ૧૭૩ મી.મી., બગસરામાં
૧૦૯ મી.મી. અને લીલીયામાં ૧૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે લીલીયા તાલુકાના બવાડી ગામેથી ૮ લોકો, ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી અને ચલાલા ગામેથી
૮થી ૧૦ લોકો તેમજ કથીવદર ગામેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાવરકુંડલા તાલુકાના જૂના સાવર
ગામે લીલીયા રોડ પરથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
NDRF, ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.
રાજુલાના વિક્ટર ગામેથી ૨૫ લોકો, સાવરકુંડલા તાલુકામાંથી ૨૧૫, જાફરાબાદ તાલુકાના ઘારાબંદર ગામેથી ૪૦ લોકો
અને ધારી તાલુકાના ચલાલા ગામેથી અંદાજે ૧૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર
કરાયેલા લોકોને પ્રાથમિક શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભોજન સહિતની
જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ કુલ ૬ રસ્તા બંધ છે, જેમાંથી ૩ રસ્તા ઓવરટોપિંગ અને ૩ ડાયવર્ઝન માર્ગનો
સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ કુલ ૧૮ રસ્તા બંધ છે, જેમાંથી ૧૬ રસ્તા ઓવરટોપિંગ અને
૨ ડાયવર્ઝન માર્ગનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે પર અમરેલી-સાવરકુંડલા માર્ગ ધોવાઈ જતાં રિપેરિંગની કામગીરી
શરૂ કરવામાં આવી છે. આ તમામ બંધ માર્ગો આજે સાંજ સુધીમાં શરૂ થઈ જશે.
ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ૩૫૯ વીજ ફીડરમાંથી ૨૪૮ ફીડર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. બાકી રહેલા
૧૧૧ ફીડરને કાર્યરત કરવાની કામગીરી પ્રગતિમાં છે.
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા,
વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જરૂર જણાય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે. વધુમાં તેમણે
જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે તંત્ર દ્વારા ટીમ તૈયાર રાખવામાં આવી છે
અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

















Recent Comments