અમરેલી

ઉનાળું કઠોળ (મગ,ચોળી, ગુવાર)ના પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટે પગલા લેવા ખેડૂતોને અનુરોધ

ઉનાળું કઠોળ (મગ,ચોળી, ગુવાર)ના પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટે ખેડૂતોને અલગ અલગ પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું, મગ અને ગુવારમાં બેક્ટેરિયલ બ્લાઈટ રોગના નિયંત્રણ માટે બિયારણને સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૨૫૦ પીપીએમના દ્રાવણમાં ૩૦ મિનીટ સુધી બોળી રાખીને સુકાયા પછી વાવણી કરવી તેમજ પાક પર રોગની શરૂઆત થયે સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામને ૧૦ લીટર પાણીમાં અથવા કસુગામાયસીન ૫ ટકા વત્તા કોપર ઓક્સીક્લોરાઈડ ૪૫ ટકા વે.પા.૧૫ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે લીમડાનું તેલ ૩૦ મી.લી.પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી,તડતડીયાં,લીફ વેબર જેવી ચૂસિયા જિવાતોનો વધુ ઉપદ્રવ જણાયેથી રાસાયણિક નિયંત્રણ માટે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મી.લી. પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો. શિંગ કોરી ખાનાર ઈયળના રાસાણિક નિયંત્રણ માટે સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૧.૬ મી.લી. પ્રતિ ૧૦ લીટર અથવા ઇમાબેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી.૩ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે પ્રથમ છંટકાવ ૫૦ ટકા ફૂલ અવસ્થાએ જ્યારે જરૂર જણાય તો ૭-૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ભૂકી છારો રોગની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી ૧૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. પાનનાં ટપકાનો રોગ (સરકોસ્પોરા)ની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી.૧૦ મી.લી. અથવા કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વે.પા. ૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૨ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. પીળો પચરંગીયો રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદમાખી કે મોલોમશીના નિયંત્રણ માટે ભલામણ કરેલ શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી સહિતના પગલા લેવા જરૂરી છે. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ, જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ પગલા અનુસરવા. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts