વાતાવરણમાં અચાનક પલટો, આ સુસવાટા પવનના
લાવ્યા આભથી વાવડ કમોસમી વરસાદના
ઉડી ડમરીઓ ધૂળને ને છવાયો અંધકાર
વરસ્યા છાંટા આ વીજળીના ભડાકે ભીંજાઈ ધરા સાવરકુંડલાની આજે,
વીજળીના ચમકારે ગાજ્યું ગગન એવું જાણે ગરજે સિંહ ગર્જના કાજે
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સાંજના પોણા છ વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ અચાનક આવેલા તોફાની વાતાવરણને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
ભારે પવનની તીવ્રતા એટલી વધુ હતી કે સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પવનની સાથે જ વીજળીના કડાકા-ભડાકા અને પવનના વેગને કારણે સાવરકુંડલા પંથકમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
ભારે પવન બાદ ધીમી ધારે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં પ્રસરેલી ગરમીમાં રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓ અને પવન સાથેના આ વરસાદે સાવરકુંડલામાં ચોમાસા જેવો માહોલ સર્જ્યો હતો.


















Recent Comments