અમરેલી

વૈશાખની બપોર અને બાળપણની એ ખાટી-મીઠી યાદો.. વેકેશન એટલે ધુબાકા.. 

મોબાઈલના આ યુગમાં એ                            જૂના દિવસો ક્યાં શોધવા? 

ઝાડ પર ચડીને ખાધેલી એ                      રાયણની મીઠાશ હવે ક્યાં? 

​ભલે આવી ગઈ છે આજે                           ઘરે-ઘરે એસીની ઠંડક સાહેબ,

પણ વડલાની એ ઘટા નીચેની                         એ ભરબપોરની ઘસઘસાટ ઊંઘ  ક્યાં?

–“પાંધી સર”

​આજના ડિજિટલ યુગમાં જ્યારે ‘વેકેશન’ શબ્દ કાને પડે ત્યારે તરત જ એસી રૂમ, સ્માર્ટફોન અને નેટફ્લિક્સના વિચારો આવે છે. પરંતુ ૭૦ અને ૮૦ ના દાયકામાં વેકેશનનો અર્થ કંઈક અલગ જ હતો. એ સમયે મનોરંજનના સાધનો મર્યાદિત હતા, પણ આનંદ અસીમિત હતો. ઉનાળાની બપોરે જ્યારે વડીલો આરામ કરતા હોય, ત્યારે મિત્રોની ટોળી સાથે નીકળી પડતાં – સીમમાં, વાડીઓમાં અને ઝાડવાઓની ઘટામાં. રાયણ, કરમદા, કાચી કેરી, ગુંદી, સફેદ જાંબુ અને બબાઈ આમલી જેવા દેશી ફળોનો જે સ્વાદ હતો, તે આજે દુનિયાની કોઈ મોંઘી ચોકલેટમાં પણ નથી. ઝાડ પર ચડીને તાજી રાયણ પાડવી, મીઠું-મરચું ભભરાવેલી કાચી કેરી ખાવી અને ચીકણી ગુંદીઓનો આનંદ લેવો એ એક લ્હાવો હતો. અરે પીપરના કૂણા પાન સાથે મીઠું મરચું ભરીને આરોગવાનો એ અનેરો આનંદ. ફળોમાં માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન્સ અને ખનીજોનો પણ ખજાનો હતા. ગિર કાંઠાના વિસ્તારમાં મળતી બબાઈ આમલી હોય કે  અકલકરો વનસ્પતિનું શાક, *મને યાદ છે ત્યાં સુધી ગિર કાંઠાના મારા મામાના ગામ તાતણિયામાં બરોબર નદી કિનારે જ એક રાયણનું જબરજસ્ત વૃક્ષ હતું અને અમારા એ સમયના એક ભેરુબંધ એ રાયણની ટોચ પર ચડેલ અને ત્યાંથી અચાનક ડાળ ભાંગતાં નીચે આવેલ હજુપણ એના પગમાં એક ખોડખાંપણ છે..આ હતી સાહસની વાત.* તો ગામને પાદર વહેતી નદીના ઝરામાં ખૂબ ઊંચેથી ધુબાકા દેવાની એ મજા આજના વોટર રિસોર્ટને સદંતર ભૂલાવી દે. આ બધું આપણી સંસ્કૃતિનો એક ભાગ હતું. આજના બાળકો ભલે ગુંદી કે રાયણથી અજાણ હોય, પણ વડીલો માટે તો આ સ્વાદ એમના હૃદયના એક ખૂણે આજે પણ અકબંધ છે. ભલે સુવિધાઓ વધી, પણ એ જૂની સ્મૃતિઓની જે સુગંધ છે, તે ક્યારેય ઓછી નહીં થાય.

Related Posts