ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, આગામી જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે.
નિયામક શ્રી મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ ભગીરથ કાર્ય માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.
તેમણે ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
શ્રી મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
















Recent Comments