અમરેલી

સાવરકુંડલાના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ ‘અટલધારા’ કાર્યાલય ખાતે યોજાઈ મહત્વની રિવ્યૂ બેઠક

હો ભલેને પક્ષ જુદો, 

પણ હવે તો પ્રજા કેન્દ્રસ્થાને 

હોવી જોઈએ,

સત્તા ભલે રહી કાલ નહિ,                               લોકહૃદયમાં સદાય જગા 

હોવી જોઈએ.

​કેમેરા સામે ચમકવા કરતાં,                  

ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી જુઓ,

રોજ બે કલાક સેવાદાનની,                        ‘ફૌજી’ જેવી વફાદારી હોવી જોઈએ.

–“પાંધી સર”

સાવરકુંડલા સ્થિત ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય “અટલધારા” ખાતે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોની એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ ગઈ હતી. નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે અંગે ચાલી રહેલા ઇંતજાર વચ્ચે યોજાયેલી આ બેઠક શહેરના વિકાસની ગતિ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તા, પાણીની સુવિધા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય જનહિતના વિકાસ કાર્યોની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે તમામ વિકાસ કાર્યો સમયમર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તાસભર રીતે પૂર્ણ થવા જોઈએ. આ સૂચનાઓનું શબ્દશઃ પાલન એક ‘ફૌજી’ની શિસ્તની માફક કરવું સંબંધિત અધિકારીઓ માટે અત્યંત આવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારીઓ અંગે માર્મિક વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પ્રજા લોકમત દ્વારા ભરોસો મૂકે છે ત્યારે પ્રતિનિધિઓની ફરજ બેવડાઈ જાય છે. ચૂંટણી સુધી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય શકે, પરંતુ ચૂંટાયા પછી પક્ષ નહીં પણ સમગ્ર પ્રજા કેન્દ્રસ્થાને હોવી જોઈએ. સત્તા આજે છે અને કાલે નથી, પરંતુ લોકહૃદયમાં સ્થાન મેળવવા માટે “બહુજન હિતાય, બહુજન સુખાય” અને “સૌનો સાથ, સૌનો વિકાસ” ના સૂત્રને જીવનમંત્ર બનાવવો પડશે.

​ગ્રાઉન્ડ રિયાલિટી પર ભાર

બેઠકના અંતે લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને માત્ર કેમેરા સામે દેખાડો કરવાને બદલે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવા અનુરોધ કરાયો હતો. શહેરના સર્વાંગી અને સમતલ વિકાસ માટે રવિવાર સહિત પ્રતિદિન ઓછામાં ઓછો બે કલાકનો સમય પોતાના વિસ્તારમાં સેવાદાન માટે ફાળવવા અને માનવીય મૂલ્યોને આધાર બનાવી કાર્ય કરવા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts