અમરેલી શહેરમાં રહેતા વિરાજબેન રાજેશભાઈ વ્યાસે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોથી કાપડ, ડ્રેસ અને સાડીના વ્યવસાયમાં અનોખી ઓળખ ઉભી કરી છે. ઉંમર 42 વર્ષ ધરાવતા વિરાજબેન ગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવાર સાથે સંકળાઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા હતા. વર્ષ 2017થી તેમણે નાનાપાયે કપડાં અને સાડી વેચાણનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે આજે શહેરની મહિલાઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની ગયો છે.
વિરાજબેન જણાવે છે કે શરૂઆતના દિવસોમાં ખૂબ ઓછું વેચાણ થતું હતું. મહિને અંદાજે માત્ર 5થી 8 ડ્રેસનું વેચાણ થતું અને તેમાં આશરે એક હજાર રૂપિયા જેટલો નફો મળતો હતો. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર સતત મહેનત ચાલુ રાખી. ગ્રાહકો સાથે સારો વ્યવહાર, ગુણવત્તાસભર માલ અને યોગ્ય ભાવના કારણે ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધતો ગયો. આજે તેમની પાસે દર મહિને અંદાજે 30 જેટલા ડ્રેસ, 10 જેટલી સાડીઓ તેમજ અન્ય કપડાંની વસ્તુઓનું વેચાણ થાય છે અને અંદાજે 15 હજાર રૂપિયા સુધીનો નફો મળી રહે છે.
તેમણે જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ અને ફેશન સંબંધિત વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. નવા ડિઝાઇન અને ગ્રાહકોની પસંદગી મુજબ વસ્તુઓ લાવવામાં આવતી હોવાથી મહિલાઓમાં તેમની દુકાન પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળે છે. ખાસ કરીને તહેવારો, લગ્નપ્રસંગો અને સીઝનલ પ્રસંગોમાં ગ્રાહકોની સંખ્યા વધી જાય છે.
વિરાજબેન માત્ર વેપાર જ નથી કરતા પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા પણ આપે છે. અમરેલી શહેરમાં સમયાંતરે તેઓ એક્ઝિબિશનનું આયોજન પણ કરે છે, જેમાં અનેક મહિલાઓ સહભાગી બને છે. આ એક્ઝિબિશન દ્વારા સ્થાનિક મહિલાઓને નવા ડિઝાઇન, કપડાં અને ઘરઆધારિત વ્યવસાયની માહિતી મળે છે. સાથે સાથે અન્ય મહિલાઓને રોજગારી અને સ્વરોજગાર માટે પ્રોત્સાહન પણ મળે છે.
તેમના આ પ્રયાસોથી આજે અનેક મહિલાઓ પ્રેરણા લઈ રહી છે. ઘરેથી શરૂ કરેલો નાનો વ્યવસાય આજે સફળતાની નવી ઓળખ બની ગયો છે અને વિરાજબેન જેવી મહિલાઓ સમાજમાં આત્મનિર્ભરતાનો સકારાત્મક સંદેશ આપી રહી છે.


















Recent Comments