ગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત પોરબંદર માટે શ્રમ યજ્ઞ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ સાથે બીચ ક્લિન-અપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સતત એક કલાક સુધી ચોપાટી પર એક કિલોમીટરથી વધુ વિસ્તારમાં શ્રમ યજ્ઞમાં જોડાઈને પોરબંદર વાસીઓને સ્વચ્છ અને સુંદર શહેર માટે -રાજ્ય માટે પર્યાવરણની સુરક્ષા સાથે સ્વચ્છતાનો જીવન મંત્ર કેળવવા પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે સમર્પિત  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત ૧૨ વર્ષના જનસેવા, વિકાસ અને વિશ્વાસના કાર્યકાળની પણ ઉજવણી થઈ રહી છે. સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણની  સુરક્ષા માટે જન જાગૃતિ સાથે જન સેવાના કાર્યો યોજાઈ રહ્યા છે,  જેના ભાગરૂપે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં વહીવટી તંત્ર, સંગઠનના કાર્યકર્તાઓ , સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો અને વન વિભાગના સહયોગથી બીચ ક્લિન-અપ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. જો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાના જીવનનો મંત્ર બનાવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને રહેવા લાયક સુંદર -સ્વચ્છ ભારત, ગુજરાત અને પોરબંદરનું નિર્માણ કરી શકાશે. તેમણે નાગરિકોને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા, કચરાપેટીનો ઉપયોગ કરવા, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તથા કચરાના વિભાજન (સેગ્રિગેશન) પર ભાર મૂકવા અપીલ કરી હતી. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણના સંરક્ષણ અને સ્વચ્છતાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દરિયાકિનારેથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ, પર્યાવરણ જતન અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન દરિયાકિનારે પડેલો પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી દરિયાઈ પર્યાવરણના જતન અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા, શહેરની પર્યાવરણ જાગૃતિ સંસ્થાઓ, મહાનગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ વિશ્વ પર્યાવરણ દિવસે  મંત્રીશ્રીએ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત શહેરના નિર્માણ માટે કાર્યરત સૌ કોઈને શુભકામના પાઠવી હતી. મંત્રીશ્રીએ સફાઈ કામદારોને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

આ બીચ ક્લિન-અપ ડ્રાઈવમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગર મોદી, ડેપ્યુટી મેયર શ્રી મનીષ શિયાળ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાએ હાજરી આપી હતી. તેમની સાથે નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી હર્ષ ગોહિલ સહિતના અન્ય આગેવાનો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોએ પણ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો

Related Posts