અમરેલી શહેરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રૂ. ૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત શાળામાં ૦૫ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.
શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી શાળાને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે વિદ્યાર્થીઓને ડિજિટલ અને આધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ વ્હાલ વરસાવ્યું હતું.
બહારપરા કુમાર પ્રાથમિક શાળામાં વિસ્તારના ૧૫૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવી સુવિધાઓથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે તેમજ શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments