અમરેલી

૮૦માં આઝાદી પર્વે ‘પાણીદાર’ બનતા અમરેલીની વાત

અમરેલી જિલ્લો પાણીની તંગી, ખારા પાણી અને દુષ્કાળની છાયાથી ઝઝૂમતો રહ્યો છે……પરંતુ હવે તેનું જળચિત્ર બદલાઈ રહ્યું છે. જનભાગીદારીથી જળસંચયનાં કાર્યોમાં અમરેલીએ સમગ્ર રાજ્યને પ્રેરણા પૂરી પાડી છે, તો ગુજરાત સરકારના દૂરંદેશીપૂર્ણ અને સુઆયોજિત આયોજનથી આજે આ જિલ્લામાં “સૌની યોજના” થકી નર્મદાના નીર વહી રહ્યા છે.

રાજ્ય સરકારે અમરેલીની દાયકાઓ જૂની પાણીની સમસ્યા પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીને સજડ આયોજન સાથે અમરેલીને પાણીદાર બનાવવાની નેમ સાકાર કરી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી દૃષ્ટિના પરિણામે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પાણીની ખાધ પૂરી કરવા માટે “સૌની- સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના” મારફતે જળચિત્ર બદલાઈ રહ્યું છે.

આ સંદર્ભમાં અમરેલી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી હિરેન વાજા કહે છે કે, અમરેલી જિલ્લામાં કાયમી ધોરણે પાણીની સમસ્યાનો ઉકેલ આવે તે માટે લાંબા ગાળાના આયોજન સાથે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. તેના આજે સારા પરિણામો પણ મળી રહ્યા છે.

ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી દૃષ્ટિના પરિણામે શરૂ થયેલી “સૌની યોજના”ના હવે પ્રત્યક્ષ પરિણામો મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં “સૌની યોજના” દ્વારા છેલ્લા બે વર્ષમાં ૪ ડેમ, ૪૦ તળાવો અને ૩૨૪ ચેકડેમમાં કુલ ૩૬૮૩ એમ.સી.એફ. ટી. પાણી પહોંચાડવામાં આવ્યું છે.

જિલ્લામાં સૌની યોજનાની લિંક-૨ હેઠળ ધાતરવડી-૧ અને ૨, રાયડી અને સુરજવડી, જ્યારે લિંક-૪ હેઠળ વડી, ઠેબી, ખોડિયાર, મુંજીયાસર, શેલદેદુમલ, ઘેલો ઇતરીયો અને સાંકરોલી ડેમ આવરી લેવાયા છે.

સૌની યોજનાની લિંક-૨ અને લિંક-૪ના કુલ પાંચ પેકેજ અમરેલી જિલ્લામાં આવેલા છે, જેનાથી અમરેલી જિલ્લાના બાબરા, કુંકાવાવ, અમરેલી, રાજુલા, ખાંભા, ધારી અને સાવરકુંડલા તાલુકાના વિસ્તારોમાં સિંચાઈ માટે વખતોવખત સૌની યોજના મારફતે નર્મદાનું પાણી આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના ગામોને તેનો બહોળો સિંચાઈનો લાભ મળે છે.

તેમણે જણાવ્યું કે, બે દાયકા અગાઉ લાઠી-લીલીયા પંથકનાં ગામોના ભૂગર્ભજળ ફ્લોરાઈડ તથા નાઈટ્રેટથી પ્રભાવિત હતાં, જ્યારે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં ખારાશનું પ્રમાણ હોવાથી ભૂગર્ભજળ પણ ખારું હતું. આ વિસ્તારોમાં સમયની સાથે કૃત્રિમ સરોવરો, સરકારી જળસંચય યોજનાઓ આધારિત ચેકડેમ તથા વરસાદી પાણીના સંગ્રહને લીધે ભૂગર્ભજળની ગુણવત્તામાં સુધારો થયો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, લાઠી-લીલીયા વિસ્તારમાં ગાગડિયો નદીને પણ જનભાગીદારીથી પુનર્જીવિત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ધોળકિયા ફાઉન્ડેશન સાથે મળીને આ ભગીરથ કાર્ય કર્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૮૦ ટકા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ૨૦ ટકા અનુદાન દ્વારા આ યોજના સાકારિત થઈ છે. તેનો ખૂબ મોટો લાભ આ વિસ્તારના ખેડૂતોને પણ મળી રહ્યો છે.

ઉપરાંત, લાઠી તાલુકામાંથી પસાર થતી પીપળીયા નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ પણ રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી ૮૦:૨૦ના ધોરણે પ્રગતિ હેઠળ છે. આ કામથી પણ નદીની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોને પરોક્ષ સિંચાઈનો લાભ પણ મળશે.

તેમણે ઉમેર્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોમાં વિશેષ જાગૃતિ આવી છે. જિલ્લાના અન્ય ગામોમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ, તળાવો બાંધવા માટે શ્રેષ્ઠીઓ પણ આગળ આવ્યા છે.

સૌની યોજના : નર્મદાનું સમુદ્રમાં વહી જતું પાણી સૌરાષ્ટ્રની નદીઓમાં પહોંચ્યું…

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સદીઓથી પાણીની અછત પ્રવર્તતી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહદંશે પથરાળ તેમજ ખૂબ જ ટૂંકી લંબાઈ ધરાવતી નદીઓ વહે છે, જેને પરિણામે કોઈપણ નદી બારેમાસ કુદરતી રીતે પાણીનું વહન કરતી નથી. ઉપરાંત, આ વિસ્તારમાં થતો અનિયમિત વરસાદ પાણીની ઉપલબ્ધતાની અનિશ્ચિતતામાં વધારો કરે છે. જેને સંતુલિત કરવા નર્મદા ડેમનું જે પાણી સમુદ્રમાં વહી જતું હતું, તેનો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યાને હલ કરવા માટે ઉપયોગ કરવાનું આયોજન કર્યું અને સૌની યોજના ઘડી હતી, જે આજે સાકાર થઈ છે. નર્મદાના પાણી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચ્યાં છે.

પાણીનો ઓછો જથ્થો ઉપલબ્ધ ધરાવતી સૌરાષ્ટ્રની નદીઓના બેઝિનમાં નર્મદાનું પાણી લાવી, આ બેઝિનના આંતરજોડાણ થકી તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા નર્મદાના પૂરનાં વધારાનાં પાણી પૈકી એક મિલિયન એકર ફીટ પાણી (૪૩,૫૦૦ મિલિયન ઘનફૂટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવી, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના- SAUNIનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts