અમરેલી

ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ: અભરામપરાના નસીત પરિવારે ૮ વિઘાનો લીલોચારો ગૌશાળાને અર્પણ કર્યો

ભલે હો તાપ આકરો, 

પણ કરુણાની એ ધાર છે,

લીલા ચારાના રૂપમાં, આ તો                            ઈશ્વરનો સાક્ષાત્કાર છે.

​મૂંગા પશુના આંતરડા ઠરે, 

એ જ સાચું પુણ્ય મિત્રો 

નસીત પરિવારની ગૌસેવા,                       માનવતાનો અસલી શણગાર છે.

–“પાંધી સર”

માનવતા અને પશુસેવા જ્યારે એકાકાર થાય છે ત્યારે સમાજમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામના વતની અને હાલ સુરત નિવાસી નસીત પરિવારે કરી બતાવ્યું છે. ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરતા આ પરિવારે પોતાની ૮ વિઘા જમીનમાં ઉગાડેલો સંપૂર્ણ લીલોચારો સાવરકુંડલાની શ્રીકૃષ્ણ ગૌશાળાને દાનમાં આપ્યો છે.

સાવરકુંડલાના દેવળા ગેટ અને નેસડી રોડ પર આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળા હાલમાં ૨૫૧ જેટલી બીમાર, અશક્ત, અંધ અને લુલી-લંગડી ગાયોનું આશ્રયસ્થાન બની છે. ગૌશાળાની આ નિઃસ્વાર્થ સેવા જોઈને અભરામપરાના બટુકભાઈ રામજીભાઈ નસીત અને તેમનો પરિવાર મંત્રમુગ્ધ થયો હતો. ઉનાળાની આકરી ગરમીમાં પશુઓને તાજો અને પોષણક્ષમ આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી તેમણે પોતાની વાડીનો તમામ ચારો ગૌવંશ માટે અર્પણ કરી દીધો છે.

આ પ્રસંગે ગામના અગ્રણી ચતુરભાઈ નસીત, લાખાભાઈ મેસુરીયા, ગૌશાળાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગર તથા અમિતગીરી સહિતના ગૌસેવકો હાજર રહ્યા હતા. સૌએ નસીત પરિવારના આ કાર્યને બિરદાવ્યું હતું. ઉનાળાના તાપમાં જ્યારે ચારાની અછત વર્તાતી હોય છે, ત્યારે આ લીલોછમ ચારો ગૌમાતાના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Related Posts