ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર, સાવરકુંડલા દ્વારા મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય 'રજત જયંતિ મહોત્સવ' તથા 'શ્રીમદ્ ભાગવત પારાયણ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ આગામી તા. ૧૪ થી ૨૦ નવેમ્બર ૨૦૨૬ (કારતક સુદ-૫ થી કારતક સુદ-૧૧) દરમિયાન આસ્થાભેર ઉજવાનાર છે.
આ મહોત્સવના સંદર્ભમાં શિવાજી નગર જલારામ મંદિર પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મહોત્સવની વિશેષ વિગતો અને કાર્યક્રમ
કથા સમય: સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ અને બપોર પછી ૩:૩૦ થી ૬:૩૦ કલાક સુધી.
વક્તાશ્રીઓ: સ.ગુ.શા.સ્વા. નિર્લેપસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય એમ.એ., સાવરકુંડલા - બોરસદ) તથા સ.ગુ.શા.સ્વા. હરિપ્રકાશદાસજી (અથાણાવાળા - સાળંગપુર) દ્વારા ભક્તજનોને કથાનું રસપાન કરાવવામાં આવશે.
મહોત્સવ સ્થળ: ભુવા રોડ, સાવરકુંડલા (માનનીયશ્રી મંગળુભાઈ લખુબાપુ ખુમાણની વાડીમાં).
આયોજક: સ.ગુ.કો.સ્વા. શ્રી બાલસ્વરૂપદાસજી, શા. સ્વા. શ્રી નિર્લેપસ્વરૂપદાસજી, શ્રી ઘનશ્યામભાઈ બી. જ્યાણી (પ્રમુખશ્રી) તેમજ સમસ્ત ટ્રસ્ટી મંડળ અને સત્સંગ સમાજ, સાવરકુંડલા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ડી. કે. પટેલ, ભાજપ અગ્રણી પ્રવિણભાઈ સાવજ તથા પત્રકાર બિપિનભાઈ પાંધી સહિતના વક્તાઓએ આ પ્રસંગને પોતાનો ગણીને શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ ભક્તોને આ મહોત્સવનો દરરોજ લાભ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે જ, સૌને આ પવિત્ર પ્રસંગે યથાયોગ્ય સહયોગ આપી મહોત્સવને સફળ બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ બેઠકમાં સાવરકુંડલાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મીડિયા જગતના કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા સમસ્ત સત્સંગ સમાજ દ્વારા ધર્મપ્રેમી જનતાને આ રજત જયંતિ મહોત્સવ અને કથાના પાવન અવસરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.