ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન
અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ
પ્રશ્નો તેમજ નાગરિકોને લગતી રજૂઆતોની સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા
કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ અને નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં અસરકારક અને
ગુણવત્તાસભર નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવાએ પાણી પુરવઠા, સિંચાઈ, વન વિભાગ તેમજ
માર્ગ અને મકાન વિભાગને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, નિવાસી અધિક
કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક જયશ્રીબેન જરુ સહિત સંકલન
સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.