સાવરકુંડલા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે મોમાઈ માતાજીના મઠ ખાતે કારિયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.
સ્વ. મોતીબેન ભુવનભાઈ કારિયા તથા સ્વ. મણિબેન માણેકલાલ કારિયાની સ્મૃતિમાં યોજાયેલા આ પાવન જ્ઞાનયજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે નીતાબેન મનોજભાઈ કારિયા સેવા આપી રહ્યા છે. ગત તારીખ ૧૭ નવેમ્બરથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેનાથી સમગ્ર પરિસર ભક્તિરસમાં તરબોળ બન્યું છે.
આગામી તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૬ સોમવારના રોજ બપોરે ૨-૩૦ કલાકે આ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થશે. કારિયા પરિવાર દ્વારા આયોજિત આ પવિત્ર અવસરે સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો ધર્મલાભ લઈ રહ્યા હોવાનું યુવા અગ્રણી અલ્પેશભાઈ કારિયાની યાદીમાં જણાવાયું છે.