સાવરકુંડલાના વતની અને હાલ મુંબઈ ખાતે વસવાટ કરતા જૈન સમાજના વિમલયાત્રા પરિવાર દ્વારા સ્વ. જ્યોત્સનાબેન દિલીપભાઈ દોશીની ૨૨મી પવિત્ર પુણ્યતિથિ અનોખી રીતે ઉજવવામાં આવી છે. આ નિમિત્તે માતૃશ્રી વિમળાબેન હિંમતલાલ દોશીના હસ્તે સાવરકુંડલા નેસડી રોડ પર આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા – પાંજરાપોળ ખાતે ₹૫૦,૦૦૦ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું.
આ અનુદાન દ્વારા ગૌશાળામાં માવજત પામતાં ૧૫૦ ઉપરાંતના ગૌવંશ માટે સતત પાંચ દિવસ સુધી ખોળ, ગોળ અને લીલાં ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી મૂગા જીવોની ઉત્તમ સેવા થઈ શકી હતી.
આ પવિત્ર અવસરે ઉદારદિલ અને સખાવતી સ્વભાવ ધરાવતા શ્રી દિલીપભાઈ હિંમતભાઈ દોશીએ પોતાની અત્યંત વ્યસ્તતામાંથી સમય ફાળવીને શ્રી કૃષ્ણ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પોતાના હસ્તે ગૌમાતાને લીલો ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો હતો અને ગૌસેવા નિહાળીને વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ગૌશાળા પરિસરમાં નિર્માણ પામી રહેલા નૂતન શેડનું તેમણે ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. શેડની બાંધકામ કામગીરી તથા ગૌમાતાની સુવિધા માટે ચાલી રહેલા વિવિધ સેવાકીય કાર્યો જોઈ તેમણે આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે, ગૌશાળાની પ્રવૃત્તિઓમાં દિવસ-રાત જહેમત ઉઠાવનાર ગૌભક્ત શ્રી જયેશભાઈ માટલિયાના કાર્યોની મુક્તકંઠે સરાહના કરી હતી.
સ્વજનની સ્મૃતિને જીવદયા અને ગૌસેવા જેવા સત્કાર્ય સાથે જોડીને પાંચ દિવસ સુધી ગૌમાતાની સેવા કરવી એ દોશી પરિવારની સંસ્કારસભર ભાવના અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી શ્રી જયેશભાઈ દોશી, શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બોરીસાગર, ગૌસેવાભાવી શ્રી જયેશભાઈ માટલિયા, શ્રી મનોજભાઈ મહેતા, શ્રી કુશાંગ ગોહેલ અને શ્રી નીતિનભાઈ ભરખડા સહિતના અનેક ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા પરિવાર દ્વારા સ્વ. જ્યોત્સનાબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ગૌસેવા તેમજ જીવદયાના આ ઉમદા યોગદાન બદલ દોશી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આમ "જીવદયા એ જ સાચી માનવતા... ગૌસેવા એ જ પ્રભુસેવા."એ સૂત્રો અહીં સાર્થક થયા.