સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્ન સર થયું છે. હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬ વર્ષના એક કિશોરની અતિ આધુનિક ઝેડ.એસ.આર. (ZSR) પદ્ધતિ દ્વારા સુન્નત (સર્કમસીઝન) નું ઓપરેશન અત્યંત સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ આધુનિક તકનીકનું મુખ્ય આકર્ષણ એ છે કે તેમાં ઓછામાં ઓછી વાઢકાપ થાય છે અને ટાંકા વગર આ સર્જરી પૂર્ણ કરવામાં આવે છે.
આ સફળ સર્જરી પાછળ હોસ્પિટલના અધીક્ષક ડૉ. વિવેક તરસરીયા, આર.એમ.ઓ. ડૉ. માલવિકા ચૌધરી અને અનુભવી સર્જન ડૉ. હરેશ વાળાનું સચોટ માર્ગદર્શન રહ્યું હતું. જનરલ સર્જન ડૉ. હિમાલી દવે, એનેસ્થેટિસ્ટ ડૉ. કુલદીપ કાવઠીયા, ઓ.ટી. ઇન્ચાર્જ મહેશભાઈ બોરડ તથા અનુભવી નર્સિંગ સ્ટાફે આ ઓપરેશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તબીબી વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આ આધુનિક પદ્ધતિમાં એક જ સમયે આગળની ચામડી (ફોરસ્કિન) કાપવા અને સીલ કરવા માટે વિશિષ્ટ ગોળાકાર સ્ટેપલર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી દર્દીને રાહત રહે છે.
હોસ્પિટલમાં ઉપલબ્ધ અન્ય આરોગ્ય સેવાઓ:
કે.કે. મહેતા સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા માત્ર આ જ નહીં, પરંતુ અન્ય ઘણી ગંભીર બીમારીઓ અને ઇજાઓ માટે પણ નિષ્ણાત સારવાર પૂરી પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે:
ઓપરેશન સેવાઓ: સારણગાંઠ (હર્નિયા), એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સ્તનની ગાંઠ, પાયલોનિડલ સાયનસ, હરસ-મસા-ભગંદર, ચરબીની ગાંઠ, રસોળી, પ્લાસ્ટિક સર્જરી (ચામડી ચડાવવાની સારવાર) તેમજ ડાયાબિટીસ કે અન્ય કારણોસર પગમાં થયેલા સડાની શસ્ત્રક્રિયા.
રોગોનું નિદાન અને સારવાર: પેટનો દુખાવો, ગેસ-એસિડિટી, કબજિયાત, મરડો, સ્વાદુપિંડ અને પિત્તાશયનો સોજો, સેલ્યુલાઇટીસ (Cellulitis), પથરીનો દુખાવો, પ્રોસ્ટેટની ગ્રંથિનો સોજો અને આંતરડાનો અટકાવ જેવા રોગોની સચોટ સારવાર.
ઇમરજન્સી સેવાઓ: રોડ ટ્રાફિક એક્સિડન્ટ તેમજ માથા, પેટ અને છાતીની ગંભીર ઇજાઓ માટે તાત્કાલિક ધોરણે સારવાર સેવાઓ
જનહિતમાં સદૈવ કાર્યરત એવી કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા (અમરેલી) દ્વારા દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેનો આ વિસ્તારના અસંખ્ય દર્દીઓ લાભ લઈ રહ્યા છે.