ફિટનેસને જનઆંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ‘સન્ડેઝ ઓન સાયકલ’ની ઐતિહાસિક 100મી આવૃત્તિની આવતીકાલે તા. 29 નવેમ્બરના રોજ દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જ્યારે વડોદરા, સુરત અને ભાવનગર ખાતે પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.
આ અંગે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI), ગાંધીનગરના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહ તેમજ નાયબ નિયામક અને કેન્દ્ર પ્રભારી બિભુભૂષણ બેહુરા દ્વારા વિગતો આપવામાં આવી હતી.
‘સન્ડેઝ ઓન સાયકલ’ની 100મી આવૃત્તિ દેશભરમાં 100 પ્રતિષ્ઠિત સ્થળોએ એકસાથે યોજાશે. રાષ્ટ્રીયકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પુણેના પિંપરી-ચિંચવડ ખાતે યોજાશે.
ગુજરાતમાં પણ ચાર મુખ્ય સ્થળોએ સાયકલિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં કાંકરિયા તળાવ, વડોદરાની આનંદ વિદ્યા વિહાર સ્કૂલ, સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ભાવનગરમાં પાણીની ટાંકી ખાતે સવારે 6-00 વાગ્યાથી કાર્યક્રમો યોજાશે.
આ સાથે સામૂહિક સાયકલ રેલી, વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓ તેમજ ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાં દોઢ લાખથી વધુ ‘માય ભારત’ સ્વયંસેવકો આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે. આ પ્રસંગે સહભાગીઓ દ્વારા ‘નશા મુક્ત ભારત’ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘સન્ડેઝ ઓન સાયકલ’ની 100મી આવૃત્તિની થીમ ‘Pedalling Towards India’s Olympic Dream’ (ભારતના ઑલિમ્પિક સપના તરફ સાયકલિંગ) રાખવામાં આવી છે. આ થીમ ઑલિમ્પિકનાં ત્રણ મૂળભૂત મૂલ્યો – ઉત્કૃષ્ટતા, સન્માન અને મિત્રતાને સમર્પિત છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કરવાની સાથે દેશમાં ફિટનેસની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, આગામી કૉમનવેલ્થ ગેમ્સ-2030 તેમજ ભવિષ્યમાં ભારતમાં ઑલિમ્પિક રમતોના આયોજનની આકાંક્ષાને પણ વેગ આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-2024માં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી ‘ફિટ ઇન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ’ પહેલ આજે રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની છે. આ પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ’ના સંદેશને આગળ ધપાવવાની સાથે સ્થૂળતા સામેની લડાઈમાં પણ જનભાગીદારીને પ્રોત્સાહિત કરે છે. યુનિયન સાઇકલિસ્ટ ઇન્ટરનેશનલ(UCI) જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા પણ આ ઉપક્રમની સરાહના કરવામાં આવી છે.
સાયકલિંગને શારીરિક પ્રવૃત્તિના સરળ, ટકાઉ અને સુલભ માધ્યમ તરીકે પ્રોત્સાહન આપતી આ પહેલ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, નિષ્ક્રિય જીવનશૈલીથી દૂર રહેવા અને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે.
‘CWG કી તૈયારી હૈ, પર અબ ઓલિમ્પિક્સ કી બારી હૈ!’ના ઊર્જાસભર સંદેશ સાથે આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં સ્થાનિક સાંસદો, ધારાસભ્યો, ખેલાડીઓ, ફિટનેસપ્રેમીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બનશે. આ રીતે ફિટનેસ, એકતા અને ભારતની ઑલિમ્પિક આકાંક્ષાઓનો સંદેશ જન-જન સુધી પહોંચશે, તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.