સાવરકુંડલા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ભારે ગરમાવો અને વિવાદ જોવા મળ્યો હતો. સભા દરમિયાન પાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા દ્વારા નગરપાલિકા અધિનિયમના કાયદા બહારનું વર્તન કરી "હું નક્કી કરું એ જ આ સભામાં રહી શકશે, બીજા તમામ બહાર નીકળી જાઓ" તેવી ચીમકી આપવામાં આવી હતી. પ્રમુખે કોઈ નાગરિક કે સ્થાનિક રહીશને સભાખંડની અંદર રહેવા જ ન દીધા. જનતા પૂછી રહી છે કે આ તો કેવી સભા કહેવાય? જે લોકોએ પોતાના કિંમતી મત આપીને પ્રતિનિધિઓને ચૂંટ્યા છે, એ જ જનતાને તેમના પ્રતિનિધિઓ શું કામ કરી રહ્યા છે તે જોવાનો અધિકાર ન અપાય? સભાની કાર્યવાહીથી નાગરિકોને જ વંચિત રાખવાના આ વલણ સામે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.
પ્રમુખના આ ગેરકાયદેસર અને અસંવેદનશીલ આદેશ સામે સ્થળ પર હાજર વકીલ પ્રિન્સ શિયાળ તુરંત જ વહારે આવ્યા હતા. તેમણે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપતા પ્રમુખને સ્પષ્ટ ભાષામાં સંભળાવ્યું હતું કે, કાયદા મુજબ નગરપાલિકાની સભા જાહેર હોય છે અને કોઈપણ દેશનો નાગરિક કે સ્થાનિક રહીશ અંદર બેસીને કાર્યવાહી જોઈ શકે છે. નાગરિકોને બહાર કાઢવાનો પ્રમુખને કોઈ અધિકાર નથી.
કાયદાકીય રજૂઆત છતાં પણ પ્રમુખ નયનાબેન કાપડિયા એકના બે થયા ન હતા અને લોકોને તથા પત્રકારોને બહાર જવાનું કહેવાનું ચાલુ રાખ્યું હતું. આ સમયે સભાનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારોએ પણ પ્રમુખના આ વલણ સામે પત્રકારોએ સણસણતો જવાબ આપતા જણાવ્યું હતું કે, "વિધાનસભાની કાર્યવાહીમાં પણ પત્રકારોને રિપોર્ટિંગ માટે જવાની છૂટ હોય છે, તમે અમને સભાની બહાર જવાનું કહી શકો નહીં."
પ્રમુખના વિરોધ અને સભામાં સર્જાયેલા ભારે હંગામા છતાં, મીડિયાકર્મીઓએ મક્કમ રહીને પાલિકાની સામાન્ય સભાનું સંપૂર્ણ રિપોર્ટિંગ કર્યું હતું. પ્રજાના મતાધિકાર અને લોકશાહીના મૂલ્યોનું અનાદર કરીને પ્રમુખ દ્વારા કરાયેલા આવા એકહથ્થુ શાસન તથા અહંકારી વર્તનને લઈને સાવરકુંડલાની જનતા અને બુદ્ધિજીવી વર્ગમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.