પ્રકાશ અને ઉત્સાહનો તહેવાર એટલે દીપાવલી પરંતુ જ્યારે આ તહેવાર દેશની રક્ષા કરતા સરહદના વીરોના પરિવારો સાથે ઉજવાય, ત્યારે તેની ખુશીઓ અનેકગણી વધી જાય છે.આ જ ઉમદા ભાવના સાથે તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે દિવાળીની એક વિશેષ અને પ્રેરણારૂપ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને "વીર વંદના" નામ આપવામાં આવ્યું છે.
સરહદના રક્ષકોને સમર્પિત અનોખો ઉત્સવ
સામાન્ય રીતે દિવાળી પરિવાર સાથે પોતાના ઘરમાં ઉજવવામાં આવે છે, પરંતુ નીલકંઠ ગુરુકુલમ્ ના બાળકોએ પોતાના ઘરથી દૂર રહીને દેશની રક્ષા માટે રાત-દિવસ અને કુદરતી આપત્તિઓની પરવા કર્યા વિના દેશનું રક્ષણ કરતા સૈનિકોના પરિવારજનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વીર જવાનોના બલિદાન અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તેમજ બાળકોમાં રાષ્ટ્રભાવના જગાડવાનો છે.
નીલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીઓ સૈનિક પરિવારના ઘરે તેના માતા - પિતાને શુભેચ્છા કાર્ડ અર્પણ કરશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.
જો કોઈ સૈનિક વીરગતિને પામ્યા હોય તેઓના ઘરે તેના માતા - પિતા અને સંતાનો પાસે જઈ સાંત્વના બહાદુરી પત્ર આપશે.
સૈનિક પરિવારના સભ્યો અને ગુરુકુલમ્ ના બાળકો સાથે મળીને સ્નેહરૂપી દીવા પ્રગટાવશે બાળકોએ પોતાના હાથે તૈયાર કરેલા શુભેચ્છાપત્રો સૈનિક પરિવારોને અર્પણ કરશે.
સૌ માટે પ્રેરણારૂપ પહેલ
આ પ્રસંગે નીલકંઠ ગુરુકુલમ્ ના ટ્રસ્ટી ભરતસિંહ મોરી
વિપુલસિંહ પરમાર બળદેવસિંહ ચુડાસમા યશપાલસિંહ વનાર એ જણાવ્યું હતું કે, "આપણે આજે આપણા ઘરોમાં પરિવાર સાથે શાંતિથી દિવાળી સહિતના તહેવારો અને પ્રસંગો ઉજવી શકીએ છીએ તેનું એકમાત્ર કારણ દેશના સૈનિકો છે જેઓ સરહદ પર તૈનાત છે અને દેશની રક્ષા કરે છે.આપણા બાળકો આ વાત સમજે અને વીરોના પરિવારજનોને પોતાની જ પરિવાર માને, તે માટે આ "વીર વંદના" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રભક્તિસભર પહેલની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે.