અમરેલી

સત્તાના નશામાં ચૂર શાસકો પ્રજાની હાલાકીને ‘ભ્રામક પ્રચાર’ ગણાવવાનું બંધ કરે: ધર્મેન્દ્ર મહેતાનો વળતો પ્રહાર

​”ખાડા અને આ ધૂળ 

કઈ રીતે ભ્રામક લાગે છે?

તમને જનતાની પીડા

કેમ નાટક લાગે છે?

​સત્તાના સિંહાસન પર 

બેસીને એટલું તો જુઓ,

કે કાગળ પરનો વિકાસ 

હવે કલંક લાગે છે.”

–“પાંધી સર”

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં આઇકોનિક રોડના નિર્માણમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો હવે રાજકીય જંગમાં ફેરવાયો છે. નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને સત્તાધીશોએ ‘ભ્રામક’ ગણાવતા મહેતાએ આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રસ્તા પરના ખાડા અને ઉડતી ધૂળ એ પ્રજાની જીવતી જાગતી પીડા છે, તેને ભ્રામક કહેવું એ જનતાનું અપમાન છે

ધર્મેન્દ્ર મહેતાએ સત્તા પક્ષને ભીંસમાં લેતા સીધા સવાલો કર્યા છે કે:

​જો ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ નથી, તો વર્ક ઓર્ડર આપવાની તારીખ જાહેર કરવામાં કેમ નથી આવતી?

​શું સંસ્કાર મંદિરથી માલધારી ચોક સુધીના ખાડાઓ સત્તાધીશોને દેખાતા બંધ થઈ ગયા છે?

​શું પ્રજાના પૈસે મંજૂર થયેલા કામોમાં પણ કોઈના ખાસ ‘મુહૂર્ત’ ની રાહ જોવામાં આવે છે? તેમણે વધુમાં ઉમેર્યું કે સત્તાધીશો પોતાની નિષ્ફળતા છુપાવવા કાગળ પર વાતો કરી રહ્યા છે. જો મારું નિવેદન ખોટું હોય તો સત્તાધીશો મારી સાથે વોર્ડ નંબર ૬ ના રસ્તા પર ચાલે, જનતા જ તેમને અરીસો બતાવી દેશે. ચોમાસા પહેલા જો રસ્તાનું કામ જમીન પર શરૂ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

Related Posts