સાવરકુંડલા-નેસડી રોડ પર આવેલા શહેરના અતિ મહત્વપૂર્ણ એવા દેવળા ગેઇટ પીકઅપ બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકા તંત્રની અસંવેદનશીલ કામગીરી સામે અસંતોષ વ્યાપી ગયો છે. વર્ષોથી પીકઅપ બસ સ્ટેન્ડના અભાવે કડકડતી ટાઢ, અસહ્ય તડકો અને મુસળધાર વરસાદ વચ્ચે ખુલ્લામાં ઊભા રહેતા મુસાફરો માટે સ્થાનિકોએ સ્વખર્ચે ઊભી કરેલી અસ્થાયી બેઠક વ્યવસ્થાને નગરપાલિકાએ ડીમોલિશન દરમીયાન તોડી પાડતા વિવાદ સર્જાયો છે.
સ્થાનિક નાગરિકોએ માનવતાના ધોરણે બે વાંસના ટેકા પર પ્લાસ્ટિક બાંધીને મુસાફરોને છાંયડો મળી રહે તે માટે બેસવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ ભાજપ શાસિત સાવરકુંડલા નગરપાલિકાએ ડીમોલિશનની કામગીરી દરમિયાન આ છાંયડો પણ તોડી પાડતાં હાલ વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને વિદ્યાર્થીઓ કળકળતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.આ મુદ્દે નગરપાલિકાની માનસિકતા પર પ્રહારો કરતા પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને નીચે મુજબના મુદ્દાઓ સાથે સત્તાધીશોને ઘેર્યા છે:
દેવળા ગેઇટ એ શહેરનો મુખ્ય સ્ટોપ છે, જ્યાંથી દરરોજ સેંકડો વિદ્યાર્થીનીઓ, નોકરિયાત બહેનો અને વૃદ્ધો અવરજવર કરે છે. અહીં પીકઅપ બસ સ્ટેન્ડ કે મહિલાઓ માટે શૌચાલય ન હોવાથી માતા-બહેનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.તંત્ર કરોડો રૂપિયા રોડ અને બ્યુટીફિકેશન પાછળ ખર્ચે છે, પરંતુ સામાન્ય જનતા માટે એક પીકઅપ બસ સ્ટેન્ડ અને મહિલાઓ માટે જાહેર શૌચાલય બનાવી શકતું નથી. આ લોકસુવિધા ઇરાદાપૂર્વક અટકાવવામાં આવતી હોય તેવું જણાય છે.
ધર્મેન્દ્ર મહેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, “જો નગરપાલિકાથી પાકું બસ સ્ટેન્ડ બનાવવું ન હોય તો લોકોએ પોતાના ધોરણે બનાવેલો છાંયડો કોના કહેવાથી તોડી પડાયો? શું તંત્ર નાગરિકોને છાંયે બેસવા પણ દેવા નથી માગતું?”
આ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા સદસ્ય અને સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે દેવળા ગેઇટ ખાતે તાત્કાલિક ધોરણે પાકું પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવામાં આવે. આ સાથે જ મહિલાઓ માટે અલગ, સ્વચ્છ અને પાણીની પૂરતી સગવડવાળું જાહેર શૌચાલય બનાવી તેની નિયમિત સાફ-સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આ પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.

















Recent Comments