અમરેલી

વિશ્વ પર્યાવરણ દિવસ, વર્ષ ૨૦૨૫-૨૬ની યશગાથા: ૨૪ લાખથી વધુ રોપાના વિતરણ સાથે અમરેલી સામાજિક વનીકરણ વિભાગનો નવો કીર્તિમાન

ગ્લોબલ વોર્મિંગ એટલે કે, વૈશ્વિક તાપવૃદ્ધિની સીધી માઠી અસર કુદરતી ઋતુચક્ર પર પડી રહી છે; દર વર્ષે ક્યાંક અતિવૃષ્ટિ અને ભયાનક પૂર આવે છે, તો ક્યાંક કાળો દુકાળ પડે છે. આ વર્ષે તો ગરમીએ તમામ રેકોર્ડ તોડીને રેકોર્ડબ્રેક તાપમાન નોંધાવ્યું છે!

પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે “ગ્રીન ગ્લોબલ, ક્લીન ગ્લોબલ”ના સંકલ્પ સાથે દરેક વ્યક્તિએ વ્યક્તિગત સ્તરે પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય ફાળો આપવો જરૂરી છે. તા. ૦૫ જૂન,૨૦૨૬ એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ.’ આ વર્ષની થીમ – “Inspired by Nature. For Climate. For Our Future.” છે. જે આપણને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રેરિત કરે છે.

“વસુધૈવ કુટુંબકમ” ની ઉદાત્ત ભાવના અને ટકાઉ વિકાસના સંકલ્પ સાથે, ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના આશયથી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવકીની આધુનિક પદ્ધતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે પર્યાવરણ સુધારણા માટે અનેક નવતર પ્રયોગો હાથ ધર્યા છે.

જિલ્લામાં ૨૪ લાખથી વધુ રોપાઓના વિતરણ સાથે અમરેલી સામાજિક વનીકરણ વિભાગે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગ્રીન અમરેલીની નેમ હવે સાકાર થશે.  ચાલુ વર્ષે જિલ્લાના કુલ ૬૪૯ હેક્ટર વિસ્તારમાં ૪.૩૫ લાખ નવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગ્રીન કવર વધારવા માટે મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ૧૭ વન મહોત્સવ નર્સરીઓ, ૨૬ વિકેન્દ્રિત નર્સરીઓ અને ૭ ગૃપ નર્સરીઓ મળીને કુલ ૫૦ નર્સરીઓ કાર્યરત છે. ચાલુ વર્ષે ગામડાઓમાં ૧૮ કિસાન શિબિર, આરોગ્ય સુખાકારી માટે ૨ મેડિકલ કેમ્પનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જનજાગૃત્તિ વધારવા માટે સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા.  પ્રકૃતિ પ્રેમીઓ માટે ૨ વનકુટીરનું નિર્માણ થતા જનસુવિધામાં વધારો થયો છે.

સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના નાયબ વન સંરક્ષકશ્રી દક્ષાબેન ભારાઈએ જણાવ્યું કે, જિલ્લામાં જુદા જુદા ૧૧ સ્થળોએ કુલ-૧૩ હેક્ટર વિસ્તારમાં ૧.૩૦ લાખ રોપાઓનું વન કવચ બનાવવામાં આવ્યું છે અને આ તમામ ૧.૩૦ લાખ રોપા આજે સંપૂર્ણપણે જીવંત અને સુરક્ષિત છે.  આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં હરિયાળી વધારવા માટે ૧ હેક્ટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ (શહેરી જંગલ)નું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આમ, સ્થાનિક સ્તરે જૈવ વિવિધતાના સંરક્ષણની નેમને સાકાર કરવા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અવિરત સરાહનીય કામગીરી કરવામાં આવી છે.  

જિલ્લામાં વિકસિત “વન કવચ” પદ્ધતિ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગીચ વનસ્પતિની આ જાપાનીઝ તકનીકને લીધે વાવેતર કરાયેલા વિસ્તારો ટૂંકા સમયમાં ગાઢ જંગલમાં ફેરવાઈ જાય છે. આ વન કવચ માત્ર વૃક્ષોની સંખ્યા વધારવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્થાનિક પક્ષીઓ, પતંગિયાઓ અને નાના જીવજંતુઓ માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન (Bio-diversity hub) બની ગયું છે. એટલું જ નહીં, આ હરિયાળા વિસ્તારો હવે સ્થાનિક નાગરિકો માટે પ્રકૃતિની નજીક સમય વિતાવવા માટેનું એક મુખ્ય કેન્દ્ર પણ બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પર્યાવરણીય જાગૃત્તિ વધે તે માટે ગુજરાતના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની ખાસ મુલાકાત દરમિયાન  ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો. જિલ્લામાં વ્યાપક ધોરણે વૃક્ષારોપણ અને અમરેલી સામાજિક વનીકરણ વિભાગના ભગીરથ પ્રયત્નો આગામી પેઢી માટે એક શુદ્ધ, સ્વચ્છ અને હરિયાળું અમરેલી બનાવવા માટે માઇલસ્ટોન સાબિત થશે.

Related Posts