અમરેલી

સાવરકુંડલામાં હીટવેવનો કહેર: ગરમીમાં હૃદયને સાચવવું અનિવાર્ય, ડો. પ્રકાશ કટારીયાની ખાસ સલાહ

​વધતા આ તાપમાં આપ દિલનું                      જરા ધ્યાન રાખજો,

પીને પૂરતું પાણી, હરેક શ્વાસમાં                        જીવંત પ્રાણ રાખજો.

​કાયા તપશે સૂરજની ગરમીમાં                           એ તો સ્વાભાવિક છે,

પણ હૃદયના ધબકારામાં આપ                          કુદરતી ઠંડકનું સ્થાન રાખજો

–“પાંધી સર” 

​હાલમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાએ જનતાને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં હીટવેવથી માત્ર શારીરિક જ નહીં પણ માનસિક તાણ અને હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ગરમીને કારણે શરીરમાંથી વધુ પડતો પરસેવો વહેતા પાણી અને મિનરલ્સની ઉણપ સર્જાય છે. જેના કારણે લોહી ઘટ્ટ બને છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર અને પલ્સ રેટ અનિયમિત થવાથી હાર્ટ એટેક કે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

જો કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો, અસામાન્ય ધબકારા, શ્વાસમાં તકલીફ કે અતિશય નબળાઈ જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બચાવ માટે દિવસમાં ૩ થી ૪ લિટર પાણી, ઓ.આર.એસ., છાશ કે લીંબુ પાણી લેવું હિતાવહ છે. બપોરે ૧૨  થી ૪ ના સમયગાળામાં બહાર જવાનું ટાળવું અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને વૃદ્ધો અને હૃદયના દર્દીઓએ આ સમયે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.

Related Posts