સેવા કરવા માટે અંતર નહીં, પરંતુ હૃદયમાં સેવાભાવ હોવો જરૂરી છે—આ વાતને સાર્થક કરતા મુંબઈના એક ઉદારદિલ પરિવારે સાવરકુંડલાના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજસ્થાનના વતની અને હાલ મુંબઈ નિવાસી જૈન પરિવારે સાવરકુંડલાની ધરતી પર ક્યારેય પગ મૂક્યા વિના, છેલ્લા ત્રણ વર્ષથી સતત અહીંના બાળકોને એક્સપોર્ટ ક્વોલિટીનાં ટી-શર્ટ મોકલાવીને અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.
મુંબઈના દાતાશ્રી શ્રી હનુમાનજી જૈન, અ.સૌ. વંદનાબેન જૈન, કુ. દિશુંબેન તથા શ્રી નિમિત્તભાઈ જૈન દ્વારા આ માનવતાવાદી કાર્ય કરવામાં આવી રહ્યું છે. *ગૌસેવક અને સેવાભાવી શ્રી જયેશભાઈ માટલિયાના મિત્રની માત્ર એક જ ટહેલને માન આપીને શરૂ થયેલો આ સેવાયજ્ઞ આજે સતત ત્રીજા વર્ષે પણ અવિરતપણે ચાલી રહ્યો છે.*
ચાલુ વર્ષ દરમિયાન માર્ચ અને એપ્રિલ મહિનામાં બે તબક્કામાં વિતરણ કર્યા બાદ, દિવાળીના પવિત્ર પર્વના અનુસંધાને તાજેતરમાં જ અંતિમ તબક્કાનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના:
જેસર રોડ જીઈબી સામે
બાયપાસ સંકુલ પાસે
મહુવા રોડ સંકુલ પાછળ
ખાંભા ચોકડી પાસે
ધજડી પાટિયા પાસે
બાઢડા રોડ જિનિંગ ફેક્ટરી સામે
આ તમામ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારોમાં રૂબરૂ જઈને જરૂરિયાતમંદ પરિવારોનાં નાનાં-મોટાં દીકરા-દીકરીઓને આ ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવામાં સ્થાનિક સેવાભાવીઓ શ્રી જયેશભાઈ માટલિયા, રાજુભાઈ બોરીસાગર, જયેશભાઈ જોષી (BSNL), કુશાંગભાઈ ગોહેલ તથા રજાકભાઈ બાવળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
હજારો કિલોમીટર દૂર બેસીને પણ સાવરકુંડલાના બાળકોને પોતાના પરિવાર સમાન ગણીને સતત ત્રણ વર્ષથી પ્રેમ અને સહયોગ મોકલાવતા આ દાતા પરિવારના સેવાભાવને સાવરકુંડલાવાસીઓ દ્વારા હૃદયપૂર્વક કોટિ કોટિ વંદન કરવામાં આવ્યા છે. આપનો આ સહયોગ માત્ર વસ્ત્ર વિતરણ નથી, પરંતુ અનેક માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક ખૂબ જ સુંદર પ્રયાસ છે.