સાવરકુંડલા શહેરમાં એક તરફ આજે તુલસી વિવાહ જેવું પાવન અને ઉત્સાહભર્યું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ રખડતા ઢોર અને આખલાઓના ત્રાસની વાસ્તવિકતા ફરી એકવાર સપાટી પર આવી છે. સાવરકુંડલાના શિવશક્તિ સોસાયટી અને નાગનાથ સોસાયટી વિસ્તાર વચ્ચે બે આખલાઓ વચ્ચે જોરદાર આખલા યુદ્ધ જામ્યું હતું, જેના કારણે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, શિવશક્તિ સોસાયટી અને નાગનાથ સોસાયટી મધ્યે બે આખલા સામસામે આવી ગયા હતા અને જાણે કોઈ જૂનું વેર વાળતા હોય તેમ એકબીજા પર તૂટી પડ્યા હતા. બંને આખલા વચ્ચે શક્તિ પ્રદર્શન અને આધિપત્યની લડાઈ ચાલી રહી હોય તેમ તેઓ ભારે જોશથી લડતા જોવા મળ્યા હતા.
આ ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશો ઘડીભર થંભી ગયા હતા અને દૂરથી આખલા યુદ્ધ નિહાળવા લાગ્યા હતા. દરમિયાન, સ્થાનિક રહેવાસી નિલેશભાઈએ હિંમત દાખવી લાકડી લઈને બંને આખલાઓને છૂટા પાડવા અને લડતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને આખલા પોતાના જોશમાં એટલા મશગૂલ હતા કે સરળતાથી છૂટા પડવા તૈયાર નહોતા.
સ્થાનિકોમાં એવી ચર્ચા જાગી હતી કે શહેરમાં વિકાસની વાતો વચ્ચે રખડતા આખલાઓની સમસ્યા યથાવત રહેતા નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના અહેવાલ નથી, પરંતુ તહેવારના દિવસે સર્જાયેલા આ દ્રશ્યે સંદર્ભે રખડતા પશુઓ સંદર્ભેની લોકોમાં ચિંતા જરૂર જગાવી છે.