માતૃત્વ ધારણ કરવું એ કોઈપણ સ્ત્રી અને તેના પરિવાર માટે જીવનનો સૌથી આનંદદાયક અવસર હોય છે. જોકે, આજના સમયમાં નવજાત શિશુઓમાં જન્મ બાદ કમળા (Neonatal Jaundice) ના લક્ષણો જોવા મળવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે યોગ્ય વૈજ્ઞાનિક સમજ, તબીબી માર્ગદર્શન અને પ્રસૂતા માતાની યોગ્ય સંભાળ લેવામાં આવે તો બાળક અને માતા બંને સ્વસ્થ રહી શકે છે. આ અંગે ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાતો દ્વારા પરિવારજનોને અગાઉથી જાગૃત કરવામાં આવે તે સમયની તાતી જરૂરિયાત છે.
નવજાત શિશુમાં કમળો શા માટે થાય છે? (વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ)
જન્મ સમયે નવજાત શિશુના શરીરમાં લાલ રક્તકણો (RBC) વધુ પ્રમાણમાં હોય છે, જે ઝડપથી તૂટતા 'બિલીરુબિન' (Bilirubin) નામનું પીળું તત્વ ઉત્પન્ન થાય છે. નવજાત શિશુનું લિવર (યકૃત) હજુ પૂર્ણ રીતે વિકસિત ન હોવાથી તે આ બિલીરુબિનને ઝડપથી શરીરની બહાર કાઢી શકતું નથી. પરિણામે, બાળકની ચામડી અને આંખોમાં પીળાશ જોવા મળે છે, જેને સામાન્ય ભાષામાં કમળો કહેવામાં આવે છે. જન્મના ૨ થી ૪ દિવસમાં ચહેરા, છાતી, પેટ અને આંખોના સફેદ ભાગમાં પીળાશ દેખાવી.
માતાનું ધાવણ (Breastfeeding): બાળકને જન્મના એક કલાકમાં જ અને ત્યારબાદ દર ૨ થી ૩ કલાકે માતાનું દૂધ (ખાસ કરીને શરૂઆતનું પીળું ઘટ્ટ દૂધ - કોલોસ્ટ્રમ) પીવડાવવું સૌથી અકસીર ઈલાજ છે. તેનાથી બાળકને ઝાડા-પેશાબ વાટે બિલીરુબિન બહાર કાઢવામાં મદદ મળે છે. તબીબની સલાહ મુજબ, વહેલી સવારના કુમળા તડકામાં (સવારે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે, ૧૦-૧૫ મિનિટ માટે) બાળકને આંખો ઢાંકીને રાખવાથી કુદરતી રીતે બિલીરુબિન ઘટવામાં મદદ મળે છે.
જો બિલીરુબિનનું સ્તર વધુ હોય, તો હોસ્પિટલમાં ખાસ પ્રકારની વાદળી લાઈટ (ફોટોથેરાપી) હેઠળ બાળકને રાખીને સારવાર કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આપણા સમાજમાં વર્ષોથી કહેવત પ્રચલિત છે કે "ગળથૂંથી કોણે પીવડાવી છે?" પહેલાના સમયમાં નવજાત શિશુને ગોળનું પાણી કે ગાયનું ઘી ગળથૂથી તરીકે આપવાની પ્રથા હતી. જોકે, આધુનિક બાળરોગ વિજ્ઞાન અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, જન્મના પ્રથમ ૬ મહિના સુધી બાળકને માતાના દૂધ સિવાય પાણી, ગોળ, મધ કે ઘી જેવી કોઈપણ વસ્તુ ન આપવી જોઈએ. નવજાત શિશુનું પાચનતંત્ર અત્યંત નાજુક હોય છે અને બહારની વસ્તુઓ આપવાથી ચેપ (Infection) લાગવાનું જોખમ રહે છે. માતાનું પ્રથમ દૂધ એ જ બાળક માટે સાચી અને શ્રેષ્ઠ ગળથૂથી છે.
પ્રસૂતા માતાની સંભાળ: "કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?"
ગુજરાતીમાં પ્રચલિત આ કહેવત પ્રસૂતા સ્ત્રીના સ્વાસ્થ્ય અને શક્તિનું મહત્વ દર્શાવે છે. ડિલિવરી બાદ સ્ત્રીનું શરીર અત્યંત નબળું પડી ગયું હોય છે, તેથી પ્રસૂતિના પ્રથમ એક મહિના (સવા મહિનો) સુધી માતાને પૂરતો આરામ અને પૌષ્ટિક આહાર મળવો અનિવાર્ય છે. આજના વ્યસ્ત અને આધુનિક જીવનમાં આ પરંપરાગત કાળજી પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે, જે ચિંતાજનક છે.
પ્રસૂતા માતાના આહારમાં સૂંઠ, ગોળ, સુવાદાણા, મેથી, ગુંદર અને દેશી ગાયનું ઘી સામેલ કરવાથી શરીરને ગરમાવો અને શક્તિ મળે છે, ગર્ભાશયનું સંકોચન યોગ્ય રીતે થાય છે અને માતાનું ધાવણ (દૂધ) પણ પૂરતા પ્રમાણમાં બને છે. (નોંધ: સિઝેરિયન ડિલિવરી થઈ હોય તો તબીબની સલાહ મુજબ શરૂઆતના દિવસોમાં હળવો ખોરાક લીધા બાદ આ વસ્તુઓ શરૂ કરવી).
સંપૂર્ણ આરામ અને માનસિક સ્વાસ્થ્ય: પ્રસૂતિ બાદ ઓછામાં ઓછા એક માસ સુધી માતાને ભારે કામથી દૂર રાખી પૂરતી ઊંઘ અને આરામ આપવો જોઈએ. પરિવારનો સહકાર માતાને ડિલિવરી પછીના તણાવ (Postpartum Depression) થી બચાવે છે.
નવજાત શિશુમાં કમળો દેખાય ત્યારે ઘરેલુ અખતરા કરવાને બદલે તાત્કાલિક બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સમયસરનું નિદાન, નિયમિત સ્તનપાન, સવારનો કુમળો તડકો અને પ્રસૂતા માતાની પરંપરાગત પૌષ્ટિક આહાર તથા આરામ દ્વારા લેવાતી સંભાળ—આ તમામ બાબતોના સમન્વયથી જ તંદુરસ્ત બાળક અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે.
- - - -ડો. પ્રકાશ કટારીયા
મેડિકલ સુપ્રિટેન્ડન્ટ
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના