દેવઉઠી અગિયારસના પવિત્ર પર્વે સમગ્ર સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ તુલસી વિવાહની અત્યંત ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે શહેરના મુખ્ય ધાર્મિક સ્થાનો તેમજ ઘરે-ઘરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શહેરની હવેલી તેમજ બેઠકજી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ભાવ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પરંપરાગત વિધિ-વિધાન સાથે ઠાકોરજી અને તુલસીજીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. મંદિરોમાં આકર્ષક શણગાર અને ભજન-કીર્તનના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શહેરની સાથે સાથે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગતરોજ રંગેચંગે ઠાકોરજીના વિવાહ તુલસીજી સાથે સંપન્ન થયા હતા. ગ્રામજનોએ ઉત્સાહભેર લગ્નગીતો ગાઈને અને ઢોલ-નગારાના તાલે આ માંગલિક પ્રસંગની ઉજવણી કરી હતી. પર્વની ખુશીમાં બાળકોએ ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો.
શેરડી અર્પણ કરવા ભક્તોની ભીડ
તુલસી વિવાહના બીજા દિવસે એટલે કે આજ સવારથી જ શહેરની બજારોમાં શેરડીની ખરીદી માટે લોકોની ચહલપહલ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ સવારથી જ શેરડીનો સાંઠો ખરીદીને ભક્તિભાવપૂર્વક તુલસીજી સમક્ષ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આમ, સમગ્ર સાવરકુંડલા પંથકમાં ધાર્મિક ઉલ્લાસ સાથે તુલસી વિવાહના પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.