ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના
અધ્યક્ષસ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Special Summary Revision-SSR-2027) અંતર્ગત મુસદ્દા
મતદારયાદીની પ્રસિદ્ધિ અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની ફોટાવાળી હાર્ડ કોપી તથા ફોટા વગરની સોફ્ટ કોપી
સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, મતદારયાદી સુધારણા પ્રક્રિયા, પ્રાપ્ત થયેલા હક્ક-દાવા અને વાંધાઓ તથા તેના
નિકાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ કામગીરી અંગે
પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
તા.૨૬ ડિસેમ્બર સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે
તા.૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદારયાદીમાં નાગરિકો પોતાના નામ
અને વિગતોની ચકાસણી કરી તા.૨૭/૧૧/૨૦૨૬થી તા.૨૬/૧૨/૨૦૨૬ દરમિયાન જરૂરી દાવા અને વાંધા રજૂ કરી
શકશે.
ત્રણ દિવસ ખાસ ઝુંબેશનું આયોજન
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૯/૧૧/૨૦૨૬, તા.૦૬/૧૨/૨૦૨૬ અને તા.૧૩/૧૨/૨૦૨૬ના રોજ
ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન
પોતાના વિસ્તારના મતદાન મથક પર જઈને મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી કરાવવા તેમજ વિગતોમાં
સુધારા માટે અરજી કરી શકશે.
આ ઉપરાંત, ECINET મોબાઇલ એપ્લિકેશન તથા voters.eci.gov.in વેબસાઇટ મારફતે પણ ઓનલાઇન નામ
નોંધણી, નામ કમી અને વિગતોમાં સુધારા માટે અરજી કરી શકાશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર
સંપર્ક કરી શકાશે.
અપીલ કરવાની પણ જોગવાઈ
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૨૪(a) હેઠળ મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા લેવામાં આવેલા
નિર્ણય સામે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રથમ અપીલ કરી શકાશે. પ્રથમ અપીલ સત્તાધિકારીના નિર્ણય સામે મતદાર
નોંધણી નિયમો, ૧૯૬૦ના નિયમ ૨૭ હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) સમક્ષ બીજી
અપીલ કરી શકાશે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના નાગરિકોને મુસદ્દા મતદારયાદીમાં પોતાના નામ અને વિગતોની
ચકાસણી કરી સમયમર્યાદામાં જરૂરી દાવા-વાંધા રજૂ કરવા તથા મતદારયાદી સુધારણા પ્રક્રિયામાં સક્રિય સહભાગી
બનવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં કુલ ૧૬.૯૧ લાખથી વધુ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ થયો
ભાવનગર લોકસભા મતવિસ્તાર હેઠળના સાત વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૧૬,૯૧,૬૨૪ મતદારો નોંધાયેલા છે.
જેમાં ૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૨,૩૫,૩૫૪, ૧૦૦-તળાજામાં ૨,૩૮,૨૭૩, ૧૦૧-ગારીયાધારમાં
૨,૦૯,૩૨૩, ૧૦૨-પાલિતાણામાં ૨,૬૬,૫૮૫, ૧૦૩-ભાવનગર ગ્રામ્યમાં ૨,૮૫,૪૯૩, ૧૦૪- ભાવનગર પૂર્વમાં
૨,૩૧,૪૪૭ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમમાં ૨,૨૫,૧૪૯ મતદારોનો સમાવેશ થાય છે.
આમ, જિલ્લાના સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૧૬,૯૧,૬૨૪ મતદારોનો સમાવેશ થાય છે.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.જી. ઝાલા સહિત જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને
ચૂંટણી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.