બગસરા તાલુકાના હડાળા ગામ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર હડાળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હડાળા તેમજ આસપાસના વિસ્તારોના ૫૦ થી વધુ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના મુખ્ય અતિથિઓનું સ્વાગતથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલના માનનીય કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયાએ ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતીનું તત્વજ્ઞાન અને તેના વૈજ્ઞાનિક આધાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતી શું છે, વર્તમાન સમયમાં તેની જરૂરિયાત શા માટે વધી રહી છે તથા રાસાયણિક ખેતી, સેન્દ્રિય ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના મૂળભૂત તફાવતો અંગે માહિતી આપી હતી. તેમણે જીવામૃત અને બીજામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે, જમીનની જૈવિક સક્રિયતા સુધરે છે અને પાકને પોષણ ઉપલબ્ધ થાય છે તે અંગે સમજણ આપી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ, જીવાત અને રોગ નિયંત્રણમાં તેની ભૂમિકા તેમજ ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવામાં તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશી ગાય આધારિત કુદરતી ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતા વિવિધ પ્રાકૃતિક ઇનપુટ્સ જમીનની તંદુરસ્તી જાળવવામાં અને ટકાઉ કૃષિ વ્યવસ્થા ઉભી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "દેશી બિયારણો એ આપણી કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણીય સંતુલનનો આધાર છે. આ પ્રકારના પ્રદર્શનથી વિદ્યાર્થીઓ અને ખેડૂતો તેમજ નવી પેઢીમાં સ્વદેશી બિયારણો પ્રત્યે જાગૃતિ આવશે અને પ્રાકૃતિક ખેતીને નવું બળ મળશે." તેમજ શ્રી કુલદીપભાઈ દીક્ષિત, FWWB સંસ્થા દ્વારા ખેડૂત ઉત્પાદન સંગઠન વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ તકે સુડાવડ ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના માર્કેટિંગ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના મદદનીશ પ્રાધ્યાપક, ડૉ. કે. વી. મશાલિયા, કુ. રૂપાલી વઘાસીયા, તેમજ શ્રી બી. ડી. મકવાણા, અને ખેતી અધિકારી શ્રી હરદીપ વળિયા, કુ. યુ. એન. ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ તાલીમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આ સાથે જ હડાળા ગામના ગૌશાળાના સભ્યો અને અન્ય આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકો તથા ઉપસ્થિત ખેડૂતો દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હતી, અને કાર્યક્રમને સફળ રીતે વિરામ આપવામાં આવ્યો હતો તેમ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ,અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.