ગુજરાતના ગૌરવ અને ઘરેણાં સમાન એશિયાઈ સિંહોના કુદરતી નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં વર્ષ ૨૦૨૬ના દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.વન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ દિવાળી પર્વમાં એટલે કે તા. ૯થી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે અંદાજે કુલ ૮૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા,જેના પરિણામે ગુજરાત વન વિભાગને રૂ.૧.૫૯ કરોડથી વધુની માતબર આવકની સાથે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે.
જેમાં દિવાળીના વેકેશન દરમિયાન સૌથી વધુ ગીર અને દેવળિયામાં જીપ્સી અને બસ સફારી દ્વારા કુલ ૬૦,૬૬૧ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા જેના થકી આશરે રૂ.૧.૨૧ કરોડની આવક થઈ છે. ગત વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યા વધતાં કુલ આવક પણ ૨૦૨૫ના આશરે રૂ.૧.૧૫ કરોડથી વધીને ૨૦૨૬માં આશરે
રૂ.૧.૨૧ કરોડ પર પહોંચી છે.
આ ઉપરાંત, જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારી ખાતે ગત વર્ષ ૨૦૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં પ્રવાસીઓની સંખ્યા તેમજ વન વિભાગની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૬ના દિવાળી વેકેશન દરમિયાન એટલે કે તા. ૯ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન આ ત્રણેય સફારી સ્થળો પર કુલ ૨૦,૨૮૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ ૨૦૨૫ના દિવાળી વેકેશનમાં આ સંખ્યા ૧૮,૧૧૪ રહી હતી. આમ, પ્રવાસીઓની સંખ્યામાં અંદાજે ૧૧.૯૭ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે, વન વિભાગની કુલ આવક ગત વર્ષના રૂ.૩૪ લાખથી વધીને આ વર્ષે રૂ.૩૮ લાખ પર પહોંચી છે, જે અંદાજે ૧૧.૧૦ ટકાની સીધી વૃદ્ધિ દર્શાવે છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં
સાસણગીર,ગિરનાર નેચર સફારી, દેવળીયા સફારી પાર્ક ઉપરાંત હવે અમરેલીના આંબરડી તેમજ પોરબંદરના બરડા સફારી જેવા વૈકલ્પિક પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં ૬૮.૧૩ ટકાનો ઉછાળો એ વન વિભાગની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ઈકો-ટુરિઝમની સફળતા દર્શાવે છે. પ્રવાસીઓની વધતી જતી અવરજવરને પરિણામે વન વિભાગની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ ઉદ્યોગ, હોમ-સ્ટે, સ્થાનિક હસ્તકલાના કારીગરો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક પરિવારોની આજીવિકા અને આવકમાં સીધો વધારો થયો છે. સફારી પાર્કના માધ્યમથી પ્રવાસીઓ પ્રકૃતિ અને વન્યજીવોની નજીક આવી રહ્યા છે, જેનાથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ વધી રહી છે અને વન વિભાગને પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ વન્યજીવોના સંવર્ધન તથા પ્રવાસી સુવિધાઓના વધુ વિકાસ માટે થઈ રહ્યો છે.