દેશની સરહદોની સુરક્ષા કાજે ખડેપગે રહેતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાના હેતુથી સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી યુવાનોએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી અટારી-વાઘા બોર્ડરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાવરકુંડલાના નિવૃત્ત BSF હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જાની અને સેવાભાવી યુવાન તથા પત્રકાર અમિતગીરી ગોસ્વામીએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને સેલ્યુટ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
પંજાબના અમૃતસર નજીક આવેલી અટારી-વાઘા બોર્ડર પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન BSF અને પાકિસ્તાન રેન્જર્સના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને ધ્વજ અવતરણની પ્રક્રિયા નિહાળવા મોટી સંખ્યામાં દેશભક્તો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહે છે. તિરંગાની શાન વચ્ચે ગુંજતા 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી સમગ્ર સરહદી વિસ્તાર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ જાય છે.
મુલાકાત દરમિયાન ૨૨ વર્ષ સુધી બીએસએફમાં સેવા આપી ચૂકેલા નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ જાની અને પત્રકાર અમિતગીરી ગોસ્વામીએ અટારી બોર્ડર ખાતે સેકન્ડ-ઇન-કમાન્ડ ગુરદીપસિંઘ તેમજ રિટ્રીટ પરેડ કમાન્ડર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ વેળાએ સરહદની સુરક્ષા વ્યવસ્થા, જવાનોની ફરજનિષ્ઠા અને રાષ્ટ્રસેવાના સમર્પણ અંગે લાગણીસભર સંવાદ થયો હતો. નિવૃત્તિ પછી પણ અતુલભાઈ જાનીની સરહદ અને સાથી જવાનો પ્રત્યેની આત્મીયતા અકબંધ જોવા મળી હતી.
સાવરકુંડલાના આ બંને યુવાનોની મુલાકાત માત્ર પ્રવાસ પૂરતી સીમિત ન રહેતાં, સરહદના રક્ષકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા અને સમાજ તથા યુવાધનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ કરવા માટે પ્રેરણારૂપ બની રહી હતી.