નિયામકશ્રી આયુષની કચેરી, ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, અમરેલીના માર્ગદર્શન હેઠળ, સરકારી આયુર્વેદ દવાખાનું (ખડકાળા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) અને ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આજે બુધવારે શ્રી ઉતાવળા હનુમાન મંદિર, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે ૩૮મો સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ રોગોથી પીડાતા દર્દીઓનું આયુર્વેદ પદ્ધતિ મુજબ નિદાન કરી જરૂરી સારવાર અને ઔષધિઓ આપવામાં આવી.બદલાતા વાતાવરણ અને રોજિંદા જીવનમાં સ્વસ્થ રહેવા માટે લાભાર્થીઓને દિનચર્યા તથા ઋતુચર્યા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ગ્રામજનો અને નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક આયુર્વેદિક સેવાનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે વૈદ્ય કૌશલ ગોંડલીયા તેમજ ડૉ. હેડગેવાર સેવા સમિતિના વિનાયકભાઈ પરમાર, પંકજભાઈ વ્યાસ, અશોકભાઈ અગ્રાવત, કૌશિકભાઈ બોરીસાગર, ઈશ્વરભાઈ પરમાર અને હિરેન ડાભીએ જહેમત ઉઠાવી સેવા આપી હતી.