શ્રી નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ ખાતે અમરેલી જિલ્લાના મૂર્ધન્ય કવિ સ્વર્ગસ્થ રમેશ પારેખની ૨૭ નવેમ્બર જન્મજયંતિના ઉપક્રમે ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ગાયક શ્રી વિજયભાઈ મહેતાના મધુર સ્વાગત ગીતથી થઈ હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય જીતુભાઈ ભટ્ટે ઉપસ્થિત મહેમાનો તથા શ્રોતાઓનું આવકાર વક્તવ્ય દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા સાહેબના હસ્તે મુખ્ય વક્તાનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અમરેલીની અજમેરા હાઈસ્કૂલના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કવિ અને લેખક શ્રી કેતનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રમેશ પારેખની કવિતાઓનો રસાસ્વાદ કરાવવાની સાથે તેમના બાળગીતો અને સમગ્ર જીવનકવન પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે જે.ટી. ખડદીયા સાહેબ, અલ્પાબેન રાવળ તેમજ અમરેલી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શ્રી ભીખેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શ્રોતાઓએ રમેશ પારેખની વિવિધ કાવ્યરચનાઓનો પાઠ કરીને કવિવરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.