માતૃભાષા એ આપણાં અસ્તિત્વની ત્વચા છે : ભાગ્યેશ જહા
ભાવનગર શિશુવિહારમાં યોજાયો બુધસભાનો સાહિત્ય સન્માન સમારોહ; પાંચ સાહિત્યકારોનું સન્માન કરાયું
ભાવનગર : ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયેલા બુધસભા સાહિત્ય સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને વિદ્વાન શ્રી ભાગ્યેશભાઈ જહાએ જણાવ્યું હતું કે, "માતૃભાષા એ આપણાં અસ્તિત્વની ત્વચા છે." કવિઓ ચૈતન્યને ઉજાગર કરવાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે, તેમ જણાવી તેમણે માતૃભાષાના જતન, સંરક્ષણ અને સંવર્ધન પર ભાર મૂક્યો હતો.તેમણે બાળકોની માસૂમિયતનો ગેરલાભ લેવાતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. માતૃભાષાને ભૂલીને અંગ્રેજી ભાષા પ્રત્યે વધતા મોહ અંગે નારાજગી વ્યક્ત કરતાં તેમણે ભાષા માટે સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન અનિવાર્ય ગણાવ્યાં હતાં. શિશુવિહારની પ્રવૃત્તિઓમાં બુધસભા માત્ર ભાવનગરની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી ભાષાની સભા હોવાનો ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.આ સમારોહમાં શ્રી હર્ષદભાઈ શાહને 'માતૃભાષા સંવર્ધન સન્માન', શ્રી શબનમબેન ખોજાને 'જાહ્નવી સ્મૃતિ કવયિત્રી સન્માન' અને શ્રી વિવેકભાઈ ટેઈલરને 'કિસ્મતભાઈ કુરેશી ગઝલ સન્માન' અર્પણ કરવામાં આવ્યાં હતાં. બુધસભાનાં સંચાલક શ્રી માનસીબેન ત્રિવેદીને 'પરિમલાબેન પંડ્યા સ્મૃતિ સન્માન' તથા શ્રી પરેશભાઈ પંડ્યાને 'ભૂપેન્દ્રભાઈ પંડ્યા સ્મૃતિ સન્માન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શ્રી મુનિભાઈ મહેતાએ તીર્થસ્થાન સમાન ભાવનગરમાં યોજાયેલા આ સાહિત્ય સન્માન ઉપક્રમને બિરદાવ્યો હતો.સ્વાગત ઉદ્બોધન કરતાં શ્રી વિનોદભાઈ જોષીએ બુધસભાના ઉપક્રમની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શબ્દના મહિમાને સન્માનવાનો આ પ્રયાસ છે. બુધસભાની શરૂઆતથી આજ સુધી એક પણ બુધવાર ચૂક્યા વિના અવિરત ચાલતો આ શબ્દયજ્ઞ તેની વિશિષ્ટ ઓળખ છે. શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનકભાઈ ભટ્ટની કાર્યદક્ષતાથી વર્ષ દરમિયાન આશરે ૪૦૦ જેટલા કાર્યક્રમો યોજાય છે, જે નગરના સાંસ્કૃતિક જીવનનો ધબકાર છે.કાર્યક્રમના પ્રારંભે શિશુવિહાર પરિવારના શ્રી રાજુલભાઈ દવે અને શ્રી નાનકભાઈ ભટ્ટે પુસ્તક સંપુટ અર્પણ કરીને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. શ્રી સરયુબેન મહેતા સહિત સન્માનિત કવિઓ અને સાહિત્યકારોએ પોતાના પ્રતિભાવોમાં આનંદ અને આયોજન પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.અંતમાં શ્રી નાનકભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી છાયાબેન પારેખે સુપેરે કર્યું હતું.