૧૯૬૨થી શરૂ થયેલી વારસાના જતનની પરંપરાને યુવા સંરક્ષક યશ ત્રિવેદી આગળ ધપાવી રહ્યા છે.એક ઇંચથી દોઢ ફૂટ સુધીના બાકસ, બોટલ બંધ દીવાસળીઓ અને 'મેચબોક્સ' બન્યા આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાના એવા મોટા ચારોડીયા ગામમાં વારસાના સંરક્ષણ અને જતનનું એક અનોખું અને પ્રેરણારૂપ કાર્ય જોવા મળી રહ્યું છે. *વર્ષ ૧૯૬૨માં નાનાલાલ બાલાશંકર ત્રિવેદી દ્વારા સ્થાપિત 'વિજ્ઞાન ભવન' આજે તેમના પૌત્ર અને યુવા વારસાના સંરક્ષક યશ ત્રિવેદીના નિષ્ઠાવાન પ્રયાસોથી ઇતિહાસ, વિજ્ઞાન અને સંસ્કૃતિના વારસાને જીવંત રાખી રહ્યું છે. દાદા દ્વારા રોપાયેલું આ સંગ્રહનું છોડ આજે વટવૃક્ષ બનીને પૌત્ર દ્વારા ગર્વભેર આગળ વધી રહ્યું છે.
વિજ્ઞાન ભવનના સંગ્રહાલયમાં *ભારત સહિત અમેરિકા, જાપાન, યુરોપ, આફ્રિકા, રશિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, સ્વીડન, ઈરાન, ચીન અને ફ્રાન્સ જેવા અનેક દેશોના આશરે ૮,૦૦૦ જેટલા પ્રાચીન અને અર્વાચીન મેચબોક્સનો વિશાળ સંગ્રહ છે. આ સંગ્રહમાં વૈશ્વિક સંસ્કૃતિ, કલા, પરંપરા અને સમય સાથે બદલાતી છાપકામની શૈલીની અનોખી ઝલક જોવા મળે છે.
આ સંગ્રહની ખાસિયત તેની અદ્ભુત વિવિધતા છે. અહીં માત્ર એક ઇંચના નાનકડા બાક્સથી લઈને દોઢ ફૂટ સુધીના લાંબા અને મોટા કદના બાકસો ઉપલબ્ધ છે. કેટલાંક મેચબોક્સ વિશિષ્ટ બોટલમાં બંધ સ્વરૂપમાં છે, તો વળી કેટલાંક પુસ્તકની જેમ ખૂલતી 'મેચબુક' શૈલીમાં છે. આ ઉપરાંત અંદાજે ૮૦ વર્ષ જૂના પુરાણા મેચબોક્સ પણ આ સંગ્રહની શોભા વધારી રહ્યા છે.
દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે આ સંગ્રહમાં માતા લક્ષ્મી, વિવિધ દેવી-દેવતાઓ, ધાર્મિક પ્રતીકો અને શુભ સંદેશાઓ દર્શાવતા મેચબોક્સ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાનકડા ખોખાં પર કરાયેલી કલાત્મક કોતરણી અને ડિઝાઇન તકાલીન સમયની સામાજિક-સાંસ્કૃતિક પરંપરા અને આસ્થાની પ્રતીતિ કરાવે છે.*
આ સંગ્રહ માત્ર જૂની ચીજવસ્તુઓ એકત્ર કરવાનો હેતુ નથી ધરાવતો, પરંતુ આજની યુવા પેઢી અને બાળકોમાં ઇતિહાસ, કલા અને સંશોધન પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો ઉમદા પ્રયાસ છે. દાદા-પૌત્રની આ જોડી દીવાસળીના નાનકડા ખોખાંઓમાં સચવાયેલા ઇતિહાસને સાચવીને આવનારી પેઢી માટે સાંસ્કૃતિક વારસો અકબંધ રાખવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે.