ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા, યોગને દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા તેમજ યોગ ક્ષેત્રે રહેલી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ‘યોગાસન સ્પર્ધા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ યોગપ્રેમીઓ ઉત્સાહભેર ભાગ લે અને પોતાની યોગ પ્રતિભા પ્રદર્શિત કરે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગજરાત" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. યોગ મેદસ્વિતા મુક્ત જીવનશૈલી તરફ લઈ જવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ સ્પર્ધામાં બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, વયસ્કો તેમજ યોગ ક્ષેત્રે કાર્યરત કોચ અને ટ્રેનરો સહિત વિવિધ વર્ગના લોકો ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે વયજૂથ અનુસાર ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં ૦૯ થી ૧૬ વર્ષ, ૧૭ થી ૩૫ વર્ષ અને ૩૬ વર્ષથી વધુ વયના સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) સાથે જોડાયેલા કોચ અને ટ્રેનરો માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવી છે. આમ, યોગનો અભ્યાસ કરતા બાળકો અને યુવાનોની સાથે યોગ ક્ષેત્રે તાલીમ અને માર્ગદર્શન આપતા અનુભવી કોચ તથા ટ્રેનરોને પણ પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક તમામ સ્પર્ધકોએ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://yogasan.gsyb.in/ પર ઓનલાઇન અરજી કરી શકાશે.
યોગાસન સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા એમ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે વિજેતાઓને ફિઝિકલ પ્રમાણપત્રની સાથે નિયત વિજેતા રકમ એનાયત કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી જિલ્લાના તમામ શાળાઓ, કોલેજો, યોગ સંસ્થાઓ, યોગ કેન્દ્રો, યોગ શિક્ષકો, કોચ, ટ્રેનરો તેમજ યોગપ્રેમીઓને આ સ્પર્ધાની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને નિર્ધારિત સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન કરાવી સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
યોગાસન સ્પર્ધા-૨૦૨૬ યોગ ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાની સાથે નાગરિકોમાં યોગ પ્રત્યેનો રસ વધારવા અને સ્વસ્થ, સશક્ત તથા નિરોગી સમાજના નિર્માણમાં સહભાગી બનવાની તક પૂરી પાડશે તેમ ગુજરાત યોગ બોર્ડ અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે