ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS), ગોમતીનગર એક્સ્ટેન્શનના યજમાનપદે તા. ૧૪થી ૧૭ નવેમ્બર,
૨૦૨૬ દરમિયાન યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધા ‘MATHSVERSE-2026’માં ભાવનગર જિલ્લાના મણાર સ્થિત
શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના ધોરણ-૧૧ના આઠ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સાત આંતરરાષ્ટ્રીય શાળાઓ, ૧૭ રાજ્યની શાળાઓ અને ૨૫ સ્થાનિક ટીમો મળી કુલ ૪૯ ટીમોએ ભાગ
લીધો હતો. તેમાં મણાર લોકશાળાના શ્રદ્ધા જાંબુચા, કિરણ દિહોરા, ઋષિતા સોલંકી, વિશ્વા ભંડારી, ચિરાગ શિયાળ, અનિલ
સોલંકી, અજય હાડગરડા અને દિવ્યેશ બારૈયાએ ગણિત ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી હતી.
સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય ‘રાસ’ની સુંદર પ્રસ્તુતિ કરી ગુજરાતની
લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. આ ઉપરાંત શાળાની ટીમે સમયપાલન (પંક્ચ્યુઆલિટી) અને સાંસ્કૃતિક કાર્યક્રમ (કલ્ચરલ ઇવેન્ટ)
એમ બે વિભાગમાં પુરસ્કારો પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિદ્યાર્થીઓની ટીમમાં ભાઈઓના ટીમ લીડર તરીકે ભાવેશભાઈ એલ. જાંબુચા, બહેનોના ટીમ લીડર તરીકે ઉષાબેન બી. બારૈયા તથા
ગણિતના માર્ગદર્શક તરીકે ડૉ. ગોરધનભાઈ ડી. દિહોરાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સિદ્ધિ બદલ લોકશાળાના પ્રિન્સિપાલ ડાયાભાઈ વી. ડાંગર, નિયામક મેહુલભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ
વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શકોને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલી
જોશી અને ખગોળશાસ્ત્રી ડૉ. એકતાબેન શાહે પણ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.