TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટરશ્રી સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં લેવાયેલી TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉમેદવારોમાં અનેક પ્રશ્નો અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ફેડરેશન દ્વારા પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ફેડરેશનની પાંચ મુખ્ય માંગણીઓ:
1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.
4. કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ભૂલ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે.
5. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે, જેથી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષામાં મહેનત કરનાર દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. ઉમેદવારોનું ભવિષ્ય કોઈપણ પ્રકારની મૂલ્યાંકન સંબંધિત ભૂલોના કારણે જોખમમાં ન મુકાય તે માટે તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.
આ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રવાના કરવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે: TAT-HS ઉમેદવારોના ન્યાય અને અધિકારો માટે ફેડરેશન દ્વારા ગુજરાતભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ઉમેદવારોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત લોકશાહી અને બંધારણીય માર્ગે સતત ચાલુ રહેશે.