લોકસાહિત્યના અમર સર્જક અને ચારણી સાહિત્યના અણમોલ રત્ન કવિ દુલા ભાયા કાગ ‘કાગબાપુ’ની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરમાં લોકસાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જતો ભવ્ય અને ભાતીગળ લોકડાયરો ‘કાગ વંદના’ યોજાવા જઈ રહ્યો છે.
કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી તેમજ શામળદાસ કોલેજના સથવારે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫ નવેમ્બર, બુધવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે આ લોકડાયરો યોજાશે.
કાર્યક્રમનો પ્રારંભ વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ કાગબાપુના પ્રપૌત્ર ઈશ કાગ દ્વારા પધારેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. કાગ પરિવાર દ્વારા ઉપસ્થિત અતિથિવિશેષ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવશે. આ પ્રસંગે કવિશ્રી વિનોદ જોષી દ્વારા બીજવક્તવ્ય રજૂ કરવામાં આવશે, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવતદાન ગઢવી કરશે.
‘કાગ વંદના’ના આ મંચ પરથી લોકસાહિત્ય અને સંગીતની અનોખી સરવાણી વહેશે. જેમાં જાણીતા લોકકલાકારો રાજભા ગઢવી, જીજ્ઞેશ કુંચાલા, પરેશદાન ગઢવી અને ધરમભાઈ વંકાણી સહિતના નામી-અનામી કલાકારો પોતાની આગવી કલાના કામણ પાથરી શ્રોતાઓને લોકસંગીતના રંગે રંગશે.
આ આયોજનમાં સહયોગી સંસ્થા શામળદાસ કોલેજ તરફથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ભરત બી. રામાનુજ, નિયામક મંડળના સભ્ય ડો. ઈન્દ્ર ગઢવી તથા શામળદાસ કોલેજના આચાર્ય ડો. વિશ્વાસ જોશી વિશેષ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે કવિ કાગબાપુની લોકભોગ્ય વાણી, જીવનદર્શન અને સાહિત્યિક વારસાને નવી અને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉમદા આશય સાથે કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસાહિત્યના આ મહોત્સવમાં પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
ટ્રસ્ટ વતી રાજવીરભાઈ કાગ દ્વારા ભાવનગરની કાગ સાહિત્ય પ્રેમી જનતાને આ ભવ્ય લોકડાયરામાં ઉપસ્થિત રહી કાગવાણીના અમૃતરસનો આસ્વાદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.