ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં યોગ પ્રત્યે લોકજાગૃતિ વધારવા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને
પ્રોત્સાહન આપવાના હેતુથી યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જિલ્લા, ઝોન અને રાજ્ય
કક્ષાએ યોજાશે. જેમાં ૯ વર્ષથી વધુ વયના તમામ નાગરિકો ઉપરાંત યોગ કોચ અને યોગ ટ્રેનરો પણ અલગ
કેટેગરીમાં ભાગ લઈ શકશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોગને જનજીવનનો
અભિન્ન હિસ્સો બનાવવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ૫,૦૦૦થી વધુ નિઃશુલ્ક યોગ
વર્ગો કાર્યરત છે, જેના માધ્યમથી હજારો નાગરિકો નિયમિત યોગાભ્યાસનો લાભ લઈ રહ્યા છે. યોગાસન સ્પર્ધા પણ
આ યોગજાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી https://yogasan.gsyb.in/ વેબસાઇટ પર
ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. જિલ્લા કક્ષાના તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે
વિજેતાઓને ભૌતિક પ્રમાણપત્રની સાથે નિયત ઇનામની રકમ પણ એનાયત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાના શાળા-કોલેજો, યોગ સંસ્થાઓ, યોગ શિક્ષકો, કોચ, ટ્રેનરો તેમજ યોગપ્રેમી નાગરિકોને આ
સ્પર્ધાની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને ઉત્સાહભેર ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી
યોગના વ્યાપક પ્રસાર સાથે સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણના પ્રયાસોને વધુ વેગ મળે.