TAT HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં જોવા મળતા પ્રશ્નો અને અસંતોષને ધ્યાનમાં રાખીને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા પરીક્ષાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આણંદ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ જી. પરમાર દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શિતા લાવવા, ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા અને રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને મંજૂરી આપવા સહિત પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં કરવામાં આવેલી પાંચ મુખ્ય માંગણીઓ:
1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તેમજ બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.
4. કોઈપણ સંજોગોમાં TAT HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે.
5. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી મૂલ્યાંકનમાં થયેલી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું માનવું છે કે પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી અત્યંત જરૂરી છે. સંસ્થા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંબંધિત તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ પરીક્ષાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરશે.
મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆતની નકલ રવાના
આ સમગ્ર મામલે રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરવા માટે આ આવેદનપત્રની એક નકલ માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવી છે, જેથી TAT HS પરીક્ષાર્થીઓના પ્રશ્નો સરકારના ધ્યાને આવે અને ઉમેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે.