અમરેલી

નામ બદલાયા, હવે ‘માનસિકતા’ ક્યારે બદલાશે? ગુલામીના પ્રતીકો તજવા ‘અંતરાત્મા’ના અવાજની અનિવાર્યતા

​હજુય મન મહીં પેલી જૂની લાચારી જીવે છે,

સ્વતંત્રતા હોવા છતાં ક્યાંક ગુલામી જીવે છે.

​ફકત સરહદથી તો હટી ગઈ ફોજ ગોરાની,

વિચારોમાં હજીય એ જ સલ્તનત જીવે છે.

–“પાંધી સર” 

​ભારત આજે આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો, માર્ગો અને શહેરોના નામ બદલીને ભારતીય વીરો અને સંસ્કૃતિને સન્માન આપવામાં આવી રહ્યું છે. પરંતુ, શું માત્ર નામ બદલવાથી આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ? આ પ્રશ્ન આજે દરેક જાગૃત નાગરિકના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. શિવાજી મહારાજ, રામ અને કૃષ્ણની પરંપરા ધરાવતા દેશમાં ઉપરછલ્લા ફેરફારોને બદલે મૂળભૂત ‘ઠોસ’ પરિવર્તનની આવશ્યકતા છે.

​બ્રિટિશ શાસકોએ લાદેલા ટાઈ-કોટ આજે પણ આપણી સત્તાવાર વેશભૂષાનો હિસ્સો છે. શું આપણે તેને તિલાંજલિ આપી આપણી ગરિમાપૂર્ણ ધોતી, કૂર્તા કે પાઘડીને અપનાવી શકીશું? એટલું જ નહીં, રવિવારની રજા એ પણ ખ્રિસ્તી પરંપરાની દેન છે. વિશ્વમાં સૌથી વધુ જાહેર રજાઓ ભોગવતા દેશોમાં ભારત મોખરે છે ત્યારે, શું આપણે રવિવારની રજા કે શાળાઓ-અદાલતોના વેકેશનની પરંપરા પર મંથન કરીને ભારતીય કાળગણના અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની હિંમત બતાવીશું?

​જનતાની સેવા માટે નિર્માયેલા સરકારી તંત્રોમાં આજે પણ મોબાઈલ અને બિનજરૂરી ચર્ચાઓમાં સમય વેડફાય છે. ‘કાર્ય એ જ પૂજા’ અને ભગવદ્ ગીતાના ‘કર્મપ્રધાન’ સંદેશને માત્ર દીવાલો પર લખવાને બદલે શાસન પ્રણાલીમાં ઉતારવો પડશે. નેતાઓની ચાપલૂસીને બદલે જનતાની સેવામાં એક-એક ક્ષણ યુટિલાઈઝ થાય તેવી ઈમાનદારી ક્યારે આવશે?

​અંતરાત્માની જાગૃતિ અને મક્કમ નિર્ધારની જરૂર

​શેક્સપિયરે ભલે કહ્યું હોય કે ‘નામમાં શું છે?’, પરંતુ ભારતીય પરિપ્રેક્ષ્યમાં નામ સાથે અસ્મિતા જોડાયેલી છે. જોકે, આ અસ્મિતા ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે વિદેશી ઉપકરણોના અંધાનુકરણને બદલે સ્વદેશી અને ભારતીય મૂલ્યોને અંતરાત્માથી સ્વીકારીશું. ગુલામીની માનસિકતા છોડવા માટે ઘણું ગુમાવવાની તૈયારી અને મક્કમ મનોબળ જોઈએ. સસ્તી લોકપ્રિયતા માટે લેવાતા નિર્ણયો લાંબુ ટકતા નથી, પણ જો ‘શસ્ત્ર’ની સાથે ‘મંત્ર’ અને ‘કર્મ’ની સાથે ‘ધર્મ’નો સમન્વય થાય, તો જ ભારત વિશ્વગુરુ બની શકશે.

​મુખ્ય મુદ્દાઓ જે મંથન માંગી લે છે. 

 સરકારી બાબુઓ અને નેતાઓ માટે જનતાનો સમય સર્વોપરી બને.

​ સંસદ અને ન્યાયતંત્રમાં બ્રિટિશ સમયથી ચાલતા વેકેશનના માળખામાં ફેરફાર.

​ શિક્ષણમાં માત્ર ડિગ્રી નહીં, પણ ભારતીય જીવનમૂલ્યોનું સિંચન.

​ રાજકીય સ્વાર્થ છોડી રાષ્ટ્રહિતમાં કઠોર નિર્ણયો લેવાની તત્પરતા.

​જો આપણે આ પાયાના ફેરફારો ન કરી શકીએ, તો નવા નામાભિધાન માત્ર ખોખલી હરકત બનીને રહી જશે. ‘શિવોહમ’ અને ‘સીતારામ’ના નાદ સાથે રાજા ભગીરથ જેવી તપસ્યા અને રામ-કૃષ્ણ જેવી શાસન વ્યવસ્થા લાવવી એ જ આજના સમયની માંગ છે.

Related Posts