અમરેલી

વિશ્વ માતૃભાષા દિવસ: ‘માઁ’ અને ‘માતૃભાષા’નો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.

હોય ગમે તેટલી  સમૃદ્ધ ભલે અન્ય ભાષાઓ દુનિયામાં,

પણ ‘મા’ની મમતા સમી તો માતૃભાષા જ લાગે છે.

​નથી અફસોસ કે અંગ્રેજીમાં ફાંકડું નથી બોલાતું,

 ગર્વ છે મને એનો કે લોહીમાં ગુજરાતી જ જાગે છે.

–“પાંધી સર” 

​દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા ૧૯૯૯માં જાહેર કરાયેલા આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વની સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ અવસરે સાવરકુંડલાને પોતાની કર્મભૂમિ સમજતાં  અને અંગ્રેજી સાહિત્યના સ્નાતક હોવા છતાં ગુજરાતી ભાષા માટે અનન્ય પ્રેમ ધરાવતા શ્રી બિપીનભાઈ પાંધીએ માતૃભાષાની સાંપ્રત સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ માતૃભાષા દિવસ નિમિત્તે પત્રકાર ​બિપીનભાઈએ જણાવ્યું હતું કે માણસ ભલે લંડન, ન્યૂયોર્ક કે મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થાય, પરંતુ તેની સાચી ઓળખ તેની માતૃભૂમિ અને માતૃભાષા સાથે જ જોડાયેલી રહે છે. જેમ વતનમાં દાન આપીને લોકો ઋણ અદા કરે છે, તેમ માતૃભાષા પ્રત્યે પણ ગૌરવ રાખવું અનિવાર્ય છે. તેઓ માતૃભાષાની તુલના માતા સાથે કરતા કહે છે, “કોઈની માઁ ગમે તેટલી ખૂબસૂરત હોય તો પણ આપણે તેને આપણી માઁ તરીકે સ્વીકારી શકતા નથી, તેમ ગમે તેટલી સમૃદ્ધ હોવા છતાં અન્ય ભાષા માતૃભાષાનું સ્થાન ન લઈ શકે.”

​શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા પાંધીસરે આગળ ભારપૂર્વક જણાવ્યું છે કે,બાળકોને ધોરણ ૧ થી ૧૦ સુધીનું પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. હાલના સમયમાં અંગ્રેજી માધ્યમની ઘેલછાને કારણે ગુજરાતી શાળાઓની સંખ્યા ઘટી રહી છે અને વિદ્યાર્થીઓ ‘ગુજલીશ’ (ગુજરાતી + અંગ્રેજી) જેવી મિશ્ર ભાષા તરફ વળી રહ્યા છે, જે માતૃભાષા માટે ખતરાની ઘંટી સમાન છે. એસ.એસ.સી. બોર્ડમાં ગુજરાતી વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યા એ ચિંતાનો વિષય છે.

​ભાષાના વૈભવને ખંખોળવાની જરૂર

​ગુજરાતી ભાષાના શબ્દભંડોળને અમૃત જેવું મીઠું ગણાવતા તેમણે  ઉમેરેલ  કે, ભલે છંદ કે અલંકાર ન આવડે, પણ તળપદી ગુજરાતીનું તલસ્પર્શી જ્ઞાન હોવું જરૂરી છે. આજે ઢીંચણિયું, રાશ અને હાંબેલું જેવા શુદ્ધ તળપદા શબ્દો વિસરાઈ રહ્યા છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો ભવિષ્યમાં લોકબોલી નામશેષ થઈ જશે.અંતમાં 

​કવિ નર્મદની પંક્તિઓને યાદ કરતા બિપીનભાઈ પાંધી કહે છે કે, “મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પણ જ્ઞાનનું દ્વાર છે. વિશ્વની ૨૦ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ભારતની ૬ ભાષાઓ સ્થાન ધરાવે છે, જે આપણી ભાષાકીય સમૃદ્ધિનું પ્રતીક છે. આ વારસાને જાળવી રાખવો એ આપણી નૈતિક ફરજ છે.

Related Posts