અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી ડેનીભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સંક્લન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી.
સાંસદશ્રીના પેન્ડિંગ પ્રશ્ન જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે સિંચાઈની કેનાલનું સમારકામ અને પાણી છોડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સિંચાઈ રાજ્ય હસ્તકની આ કેનાલનું સમારકામ થઈ ગયું છે. જેથી આગામી સમયમાં તેમાં સિંચાઈ માટે પાણી છોડવાની સરળતા રહેશે.
બેઠકમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રીનાએ રોડ રસ્તા, પર્યાવરણ જતન, નેશનલ હાઇવે સંલગ્ન ગામના સર્વિસ રોડના પ્રશ્નો, પીજીવીસીએએલ જાતિના દાખલા અને આવકના દાખલા માટેની વધુ સુવિધા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રીએ આ અંગે અધિકારીશ્રીઓને ખાતમુહૂર્ત થયેલા માર્ગોના કામ સત્વરે અને સમય મર્યાદામાં થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. જાતિના દાખલા અને આવકના દાખલા માટે આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ સ્થાનિક ઓપરેટર ફાળવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ આયોજન કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યશ્રીની રજૂઆતના પગલે તલાટીમંત્રીશ્રીઓ, ગ્રામ સેવકોને સમયપત્રક મુજબ ગામ વાઇઝ હાજર રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ધારાસભ્યશ્રી સાવરકુંડલા-લીલીયા શ્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષા બહેન ચોડવડિયાની અગાઉની રજૂઆત અંતર્ગત સીમરણ વાડી ખાતે એક્સપ્રેસ બસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જ્યારે સાવરકુંડલા શહેરમાં એલ.પી.જી એજન્ટના અનિયમિત વિતરણના પગલે એજન્સીને બંધ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ સાવરકુંડલા શહેરના એલ.પી.જી સપ્લાય માટે બે એજન્સીમાં શહેરના કનેક્શન વહેંચી અને સપ્લાય પૂરો પાડવામાં આવશે.
બેઠકમાં વાસ્મોની "પાણી વેરા પ્રોત્સાહન યોજના" હેઠળ અમરેલી જિલ્લા પંચાયતને રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત રૂ. ૩૪.૫૪ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એન્ટીબાયોટીક દવાઓના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર ઉપયોગ ન કરવા અંગેના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ એ શપથ લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ.ડોડિયા, નાયબ વનસંરક્ષક શ્રી સામાજિક વનીકરણ ભારાઈ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, અમરેલીના પ્રાંત અધિકારીશ્રી જાડેજા, સાવરકુંડલાના પ્રાંત અધિકારીશ્રી ઝીલ પટેલ, રાજુલાના પ્રાંત અધિકારીશ્રી અક્ષર વ્યાસ, લાઠીના પ્રાંત અધિકારીશ્રી પારસ ચૌહાણ, ધારીના પ્રાંત અધિકારીશ્રી અર્પણ ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કુંભાણી સહિત વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયાએ કર્યું હતું.