૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ જન્મેલા શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ કોલેજનો અભ્યાસ અધૂરો છોડી વર્ષ ૧૯૬૧માં વ્યાવસાયિક જગતમાં પદાર્પણ કર્યું હતું. મોટાભાઈ રમેશભાઈ નાગ્રેચા સાથે મળીને તેમણે ઈલેક્ટ્રિકલ ગૂડ્ઝ, રાસાયણિક ખાતર, એગ્રીકલ્ચર પંપસેટ અને જી.ઈ.બી.ના કોન્ટ્રાક્ટરની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી હતી. રેફ્રિજરેટર અને ટેલિવિઝનની ઉપયોગીતાનો લાભ તેમણે વિશાળ ગ્રાહક સમુદાયને અપાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૧૯૯૪માં પોતાની ‘રઘુવીર એન્ટરપ્રાઈઝ’ નામની ફર્મ સ્થાપી ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક સાધનોના વેચાણ દ્વારા સમગ્ર તાલુકામાં ઊંચી નામના અને આર્થિક સફળતા મેળવી હતી.
વ્યાવસાયિક ક્ષેત્રની સાથે સામાજિક અને સંસ્થાકીય સેવામાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે:
વર્ષ ૨૦૦૨માં તત્કાલીન સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની લાગણીને માન આપી ડિરેક્ટરની ચૂંટણી લડ્યા હતા અને ચૂંટાયેલા ઉમેદવારોમાં બીજા ક્રમે મત મેળવી સીધા ઉપપ્રમુખ તથા ત્યારબાદ મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી નિભાવી હતી. નિયમ મુજબ તેમણે ત્રણ ટર્મ સુધી સેવાઓ આપી હતી.સ્વ. શ્રી ધીરુબાપા રૂપારેલના વાત્સલ્યભર્યા આગ્રહથી સાવરકુંડલા ગૌશાળામાં જોડાયા અને મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી સંભાળી, જે તેમણે છેક ૨૦૧૮ સુધી નિભાવી હતી.
નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલાના વર્ષ ૨૦૦૩થી તત્કાલીન મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર શ્રી દિલીપભાઈ મહેતાના આગ્રહથી ટ્રસ્ટી મંડળમાં જોડાયા હતા. ઉપપ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે શ્રી કનુભાઈ ગેડીયા, શ્રી જયંતિભાઈ વાટલીયા, ડોક્ટર શ્રી વડેરા સાહેબ, સી.એ. શ્રી અનિલભાઈ રૂપારેલ, શ્રી વિનુભાઈ રાવલ અને શ્રી ઝાબિરભાઈ ચૌહાણને ટીમમાં ઉમેર્યા હતા. પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન કામદાર (ઘેલાણી) સાથે રહીને નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટને સધ્ધરતા અને ઊંચાઈ પર પહોંચાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
શ્રી મુકુંદભાઈ નાગ્રેચાનું કૌટુંબિક જીવન પણ એટલું જ સમૃદ્ધ રહ્યું છે. પરિવારના સભ્યોની જેમ જ સમયાંતરે સંપર્કમાં આવેલા સૌ કોઈ સાથે તેમણે હૃદયના સંબંધનો ઘરોબો જાળવ્યો છે. વર્ષ ૧૯૭૮થી પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (‘દાદાજી’)ના પ્રેરણાદાયી દિવ્ય વિચારોથી પ્રેરાઈને તેમણે કૃતિભક્તિ આજ પર્યંત ચાલુ રાખી છે.એમની આ જીવનયાત્રાની અવિરત પ્રગતિમાં દાંપત્ય જીવનનું પરમ સુખ પ્રાપ્ત થયું એવા એમના ધર્મપત્ની રેખાબેનનો સંગાથ તેમની તમામ ખ્વાહિશ પૂર્ણ કરવા માટે સદાય એક કદમ આગળ રહેતા અને કોઈ પણ અશક્ય લાગતું કાર્ય પણ પૂર્ણ કરવા માટે સતત હૂંફ હિંમત અને પ્રેરણાબળ પૂરૂં પાડી સફળતાના શિખરો સર કરવા માટે નિમિત્ત બનતા
નિષ્ઠાવાન, ઊંચા નૈતિક ખ્યાલો ધરાવતા અને પ્રેરણાદાયી કાર્યો દ્વારા સતત સૌના પ્રિય બનેલા શ્રી મુકુંદભાઈ નાગ્રેચાને પ્રભુ દીર્ઘાયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય બક્ષે તેવી શુભેચ્છાઓ.
આ શુભ પ્રસંગે શ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને તેના પૌત્ર પ્રથમને આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીઝીટલ ન્યૂઝ તરફથી પણ અઢળક શુભેચ્છા પાઠવી આવી સાથે સાથે હજુ પણ આમ નિરંતર તેમના દ્વારા અનેક સામાજિક સેવાઓ થાય એવી શુભકામના પણ પાઠવવામાં આવે છે