સાવરકુંડલા શહેરમાં પણ આજથી ગુલાબી ઠંડીનો ચમકારો થતાં હવે શિયાળામાં ઠડીનું પ્રમાણ વધશે એવી સંભાવના છે. આમ નવેમ્બર મહિનાના અંતિમ તબક્કામાં પ્રવેશતા હવે રાજ્યમાં શિયાળાની સાચી જમાવટ થાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની પૂરી સંભાવના છે અને લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં આ ઘટાડા સાથે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બરના ત્રણ સપ્તાહ વીતી ગયા હોવા છતાં અત્યાર સુધી રાજ્યમાં અપેક્ષિત ઠંડી પડી નહોતી. ગત વર્ષે ૧૯ નવેમ્બર સુધીમાં પારો ૧૧ ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી તાપમાન ૧૮ થી ૨૦ ડિગ્રીની આસપાસ જ રહેતા ઠંડીનો અહેસાસ ઓછો રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહેશે. ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાપમાનમાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળશે, આજથી પારો ધીમે ધીમે ગગડતા શિયાળાની અસર ધીમે ધીમે વધુ સ્પષ્ટ થશે.