આજના સમયમાં સામાન્ય તાવ, શરદી કે ઉધરસ થતાં જ ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી સીધી એન્ટિબાયોટિક (Antibiotic) દવાઓ લેવાનું ચલણ ખૂબ વધી ગયું છે. પરંતુ દવાઓનો આ આડેધડ ઉપયોગ 'એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ' (AMR) નામની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને જન્મ આપી રહ્યો છે, જે સમગ્ર વિશ્વ અને આપણા સમાજ માટે મોટો ખતરો બની રહી છે. જ્યારે બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ જેવા સૂક્ષ્મજીવો પોતાની અંદર એવો બદલાવ લાવે છે કે તેમના પર એન્ટિબાયોટિક દવાઓની અસર થતી બંધ થઈ જાય, ત્યારે તેને AMR એટલે કે દવા પ્રતિકારક ક્ષમતા કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, રોગના જંતુઓ દવા સામે લડવા માટે વધુ શક્તિશાળી બની જાય છે, જેના કારણે સામાન્ય ચેપ (ઇન્ફેક્શન) પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ ગંભીર સમસ્યાને રોકવા માટે જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારેય એન્ટિબાયોટિક દવા ન લેવી અને તબિયત સારી થઈ જાય તો પણ ડૉક્ટરે સૂચવેલો દવાનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો, નહીંતર રોગના જંતુઓ વધુ મજબૂત બની શકે છે. આ ઉપરાંત, તમારી બચેલી એન્ટિબાયોટિક્સ પરિવારના અન્ય સભ્યો કે મિત્રોને આપવાનું ટાળવું જોઈએ અને ચેપ લાગતો અટકાવવા માટે નિયમિત હાથ ધોવાની ટેવ રાખવી, સ્વચ્છ પાણી પીવું તથા જરૂરી રસીકરણ કરાવવું અત્યંત આવશ્યક છે. એન્ટિબાયોટિક્સ આપણા જીવનરક્ષક હથિયારો છે, જેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે તેને ભવિષ્ય માટે અસરકારક રાખી શકીએ છીએ; તેથી જાગૃત નાગરિક બનીને ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.