15 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના પવિત્ર બંધનમાં બંધાઈ નવજીવનનો પ્રારંભ કર્યો
દામનગર : દામનગર ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ વિક્રમ સંવત 2083, કારતક સુદ 14, સોમવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ પરિસર ખાતે અત્યંત ધામધૂમ અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે 15 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચારની પવિત્ર ધ્વનિ વચ્ચે સપ્તપદીના પવિત્ર ફેરા ફરી સુખી દાંપત્યજીવનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો હતો.સમૂહ લગ્નોત્સવમાં ઉદારદિલ દાતાશ્રીઓ, સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણી આગેવાનો, સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ, કેળવણીકારો તેમજ વિવિધ ક્ષેત્રે સેવારત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર પંથકની ખોડલધામ સમિતિઓ, મહિલા ખોડલધામ સમિતિઓ, સામાજિક, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિએ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.આ સમૂહ લગ્નોત્સવની વિશેષતા એ રહી કે આયોજકોએ પોતાની વ્હાલસોયી દીકરીઓના લગ્નપ્રસંગની જેમ તમામ 15 દીકરીઓને ભવ્ય કરિયાવર અર્પણ કરી લાગણીસભર વિદાય આપી હતી. માઇક્રો પ્લાનિંગ, સુંદર આયોજન, અદભુત વ્યવસ્થાશક્તિ અને આગવી મહેમાનગતિએ ઉપસ્થિત સૌના હૃદય જીતી લીધા હતા.વૈદિક પરંપરા અનુસાર સપ્તપદીના સાત ફેરા માત્ર લગ્નવિધિ નથી, પરંતુ જીવનભરના સાત અમૂલ્ય સંકલ્પો છે. સત્ય, પ્રેમ, કરુણા, સમર્પણ, સમજણ અને સેવા જેવા જીવનમૂલ્યોને આત્મસાત કરીને સ્વૈચ્છિક સ્વીકૃતિ સાથે દાંપત્યજીવન જીવવું એ જ આદર્શ લગ્નજીવનની સાચી ઓળખ છે, તેવો સુંદર સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના આશીર્વચન અને માર્ગદર્શક ઉદ્બોધનો દ્વારા નવદંપતીઓને દાંપત્યજીવનમાં પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા, સમજણ અને સમર્પણ જાળવી રાખવા પ્રેરણા આપી હતી. લગ્નજીવન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારો અને સંસ્કારોનું પવિત્ર જોડાણ છે, તેવો ભાવસભર સંદેશ પણ આપવામાં આવ્યો હતો.સમાજની દીકરીઓના લગ્નની જવાબદારીમાં સહભાગી બની, દાતાશ્રીઓના સહયોગ અને સમાજના સંગઠિત પ્રયાસોથી યોજાયેલ આ પાંચમો સમૂહ લગ્નોત્સવ સામાજિક એકતા, સેવાભાવ, સંસ્કાર અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.15 નવદંપતીઓનું દાંપત્યજીવન પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને સંસ્કારોથી મહેકતું રહે તથા તેમનું જીવન સુમંગલ બને તેવી શુભકામનાઓ સાથે સમગ્ર લગ્નોત્સવ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.