અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અમરેલી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણી અંતર્ગત વોર્ડ સીમાંકન અને ઘર-વાઈઝ મતદાર યાદીમાં થયેલી ગંભીર વિસંગતતાઓ સામે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટર કચેરી, અમરેલી) સમક્ષ લેખિત વાંધો અને રજૂઆત કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ અને વિસંગતતાઓ
મતદારોની સંખ્યામાં અસમાનતા: ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ અને રાજ્ય ચૂંટણી આયોગના નિયમો મુજબ દરેક વોર્ડમાં વસ્તી અને મતદારોનો રેશિયો શક્ય તેટલો સમાન હોવો જરૂરી છે, પરંતુ હાલની યાદીમાં વોર્ડ દીઠ મતદારોની સંખ્યામાં મોટો તફાવત (અસમાન વધ-ઘટ) જોવા મળે છે
ભૌગોલિક સળંગતાનો અભાવ: મકાન નંબર મુજબ ભૌગોલિક સળંગતા જાળવવાના નિયમ વિરુદ્ધ એક જ વિસ્તાર, શેરી, ફળિયા કે એક જ પરિવારના બાજુ-બાજુના ઘરોને અલગ-અલગ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યા છે, જે ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે
નોટિસ બોર્ડ પર યાદી પ્રસિદ્ધ ન થવી: તા. ૦૭/૧૧/૨૦૨૬ થી મતદાર યાદી ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર જનતાના નિરીક્ષણ માટે મૂકવાની સૂચના હોવા છતાં આજદિન સુધી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકો નામ-સરનામા કે વોર્ડ અંગેની ભૂલો સુધારવા અને વાંધા-સૂચનો રજૂ કરવાના અધિકારથી વંચિત રહ્યા રહી શકે તેમ છે જે અંગે પ્રતાપભાઈ દુધાત પ્રમુખ
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા માંગ કરવામાં આવી છે કે:
દરેક વોર્ડમાં મતદારોની સંખ્યાનો યોગ્ય રેશિયો જાળવવામાં આવે
ઘર-વાઈઝ અને ભૌગોલિક સળંગતા મુજબ એક જ વિસ્તાર, શેરી કે પરિવારના મતદારોને એક જ વોર્ડમાં રાખી તમામ વિસંગતતાઓ તાત્કાલિક દૂર કરવામાં આવે
દરેક ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર પારદર્શક રીતે મતદાર યાદી પ્રસિદ્ધ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે ની સચિવશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરને પણ જાણ કરવામાં આવેલ છે.